યુદ્ધના વાદળ ફાટ્યા ને
મોંઘવારીનો આ માર છે,
ખિસ્સા ખાલી થાય તોય,
સ્મિત રાખવું એ જ સાર છે.
ઈંધણ બળે છે આગમાં
ને માનવી અહીં મુંઝાય છે,
ઈશ્વર બચાવે વિશ્વને,
બસ એ જ હવે પોકાર છે.
–“પાંધી સર”
વિશ્વના દેશો વચ્ચે ખેલાઈ રહેલા સત્તા અને શસ્ત્રોના જંગની માઠી અસર હવે ભારતના બજારોમાં દેખાવા લાગી છે. ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રવર્તતા યુદ્ધના ભય અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ઉછાળાને પગલે ગુજરાતમાં ખાનગી ઈંધણ કંપની ‘નાયરા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો જાહેર કર્યો છે. કંપનીએ પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 નો વધારો ઝીંકી દેતા મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે.જેનો ઘેરો પડઘો સાવરકુંડલા શહેરમાં પણ પડ્યો છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઈંધણની અછત વર્તાશે તેવી અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે IOCL, BPCL અને HPCL જેવી સરકારી કંપનીઓએ હજુ સુધી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ખાનગી પંપો પર વધેલા ભાવે મોંઘવારીના શ્રીગણેશ કરી દીધા છે.
લોકડાઉન જેવી મક્કમતાની જરૂર
રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે. જો સ્થિતિ વધુ વણસી અને વિશ્વ અણુયુદ્ધ તરફ ધકેલાયું, તો પ્લેગ કે કોવિડ જેવી ભયાનક પરિસ્થિતિઓનું પુનરાવર્તન થઈ શકે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ પણ સૂચવ્યું છે તેમ, દેશવાસીઓએ કોઈપણ કપરી સ્થિતિનો સામનો કરવા મક્કમ મન રાખવું પડશે. ‘ટ્રમ્પ કાર્ડ’ અને વૈશ્વિક રાજનીતિ વચ્ચે હવે સામાન્ય ભારતીયે મોંઘવારીના આકરા પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે.
















Recent Comments