સેવા તણું આ ધામ
હવે ગુંજતું થયું,
પીડા મટી ને દર્દીનું દિલ
નાચતું થયું.
નિર્મળ મન ને નિષ્ણાંત
હાથોની છે કમાલ,
કે.કે. મહેતાનું નામ
હવે ગુંજતું થયું
–“પાંધી સર”
કે.કે. મહેતા સરકારી પેટા-જિલ્લા હોસ્પિટલ, સાવરકુંડલા હવે આધુનિક અને જટિલ શસ્ત્રક્રિયાઓનું કેન્દ્ર બની રહી છે. હોસ્પિટલના અધિક્ષક ડો. વિવેક તરસરીયા અને આર.એમ.ઓ. ડો. માલવીકા ચૌધરીના કુશળ માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગે એક મોટી સફળતા હાંસલ કરી છે.
૪૮ વર્ષીય મહિલા દર્દી કે જેઓ ડાબા ઘૂંટણના સાંધાના ઘસારાને કારણે અસહ્ય પીડા અને હલનચલનમાં ભારે તકલીફ ભોગવી રહ્યા હતા, તેમનું ઘૂંટણ બદલવાનું જટિલ ઓપરેશન (TKR) ઓર્થોપેડિક સર્જન ડો. નિર્માણ લુણાગરીયા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સહયોગી ડો. આદર્શ ત્રિપાઠી, એનેસ્થેસ્ટિક ડો. કુલદીપ કાવઠીયા તેમજ અનુભવી નર્સિંગ સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો.
આશ્ચર્યજનક રીતે, દર્દી ઓપરેશનના બીજા જ દિવસે ઘોડીના ટેકાથી ચાલતા થયા હતા અને ચોથા દિવસે કોઈપણ ટેકા વગર ચાલવા તેમજ સીડી ચડવા-ઉતરવા સક્ષમ બનતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે ડો. નિર્માણ લુણાગરીયાએ છેલ્લા ત્રણ માસમાં ૧૦૦ જેટલા નાના-મોટા સફળ ઓપરેશનો કરીને દર્દીઓનો વિશ્વાસ જીત્યો છે.
હોસ્પિટલ ખાતે હાલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત જનરલ ઓ.પી.ડી., ૨૪*૭ ઈમરજન્સી, MLC, જનરલ સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, દાંત વિભાગ, બાળરોગ નિષ્ણાંત, એમ.ડી. ફિઝિશ્યન, માનસિક રોગ નિષ્ણાંત અને લેબોરેટરી (માઇક્રોબાયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ) ની સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત એક્સ-રે, હોમિયોપેથીક, ફિઝિયોથેરાપી, બ્લડ બેંક, ડાયાલીસીસ, ટી.બી. વિભાગ, આઇ.સી.ટી.સી. (એચ.આઇ.વી.), કુપોષીત બાળકો માટે (સી.એમ.ટી.સી.) સેન્ટર, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થય કાર્યક્રમ અને રસીકરણ કેન્દ્ર પણ કાર્યરત છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ અહીં આંખ વિભાગ, ચામડી વિભાગ અને સોનોગ્રાફીની સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.

















Recent Comments