અમરેલી

ખાંભા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ

તાલુકા-જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ખાંભા તાલુકામાં મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદારશ્રી ખાંભાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૧૦૭ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમણે ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ મશીનનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખાંભા મામલતદારશ્રી મહેન્દ્રભાઈ ભાલોડી દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવા માટે આવી તાલીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને તમામ કર્મચારીશ્રીઓએ નિષ્ઠાપૂર્વક તાલીમનો લાભ લીધો છે.

માસ્ટર ટ્રેનર તરીકે શ્રી નિલેશભાઈ ઉનાગર અને શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. તેમણે પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Related Posts