સંસ્કારની સરવાણી વહે છે
આ ગુરુકુળના પ્રાંગણમાં,
શિક્ષણ તણો સૂરજ ઊગ્યો છે આજે નૂતન ખંડોમાં.
સંતોના સંકલ્પ અને ભક્તોના હેતનો આ સંગમ છે,
મંત્ર જાપથી મહેકી ઉઠ્યું
આખું ગગન સાવરકુંડલામાં.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અખાત્રીજના પાવન પર્વ નિમિત્તે આધ્યાત્મિક અને શૈક્ષણિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામીના દિવ્ય સંકલ્પથી ગુરુકુળ પરિસરમાં આવેલી ગુરુ ગોપાળાનંદ સ્વામી યજ્ઞશાળામાં ‘બીજ મંત્ર જાપ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મંત્ર જાપના આચાર્ય પદે વિદ્વાન ભાગવતાચાર્ય શ્રી રવિન્દ્ર મહારાજે સેવા આપી હતી. આ પ્રસંગે ગુરુકુળના વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરતા વિજ્ઞાન પ્રવાહના ત્રણ નૂતન વર્ગ ખંડોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ માંગલિક કાર્ય સંસ્થાના વયોવૃદ્ધ પરમ પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી, વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તેમજ કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે હરિદર્શન સ્વામી, સુવ્રત સ્વામી તેમજ જૂનાગઢથી ખાસ પધારેલા પૂર્ણ પ્રકાશ સ્વામી અને જેપી સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શૈક્ષણિક વિકાસના આ કાર્યમાં સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા અગ્રણીઓ શ્રી ચંદ્રેશભાઇ રવાણી, શ્રી જયંતીભાઈ વાટલિયા, શ્રી કનુભાઈ ગેડીયા અને શ્રી કાનાભાઈએ પણ ઉત્સાહભેર હાજરી આપી ઉદઘાટન વિધિમાં સહભાગી થયા હતા. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ ગુરુકુળના નવા બાંધકામ અને ભવિષ્યના આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સંસ્થાના કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામીના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
















Recent Comments