અમરેલી

સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પ યોજાયો

શ્રી સદ્ગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, સાવરકુંડલા તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી સંચાલિત ‘શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ – સુદર્શન નેત્રાલય હોસ્પિટલ, અમરેલી’ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૨૩/૦૭/૨૦૨૬, ગુરુવારના રોજ સાવરકુંડલા ખાતે ભવ્ય વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કેમ્પમાં આંખના રોગોથી પીડાતા દર્દીનારાયણની સુવિધાર્થે વિનામૂલ્યે તપાસ તથા જરૂરી દર્દીઓ માટે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન અને નેત્રમણિ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પનો લાભ લેતા ૭૮ દર્દીઓએ ઓ.પી.ડી. (O.P.D.) તપાસ કરાવી હતી, જેમાંથી ૨૭ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદગી કરી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

​કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબ તથા શ્રી અરુણલાલ સાહેબના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

​આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થાન ‘શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ’ના ટ્રસ્ટી વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, જગદીશભાઈ જેઠવા તથા જિતેનભાઇ હેલૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સુદર્શન નેત્રાલયના કર્મચારી અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા તેમની સમગ્ર મેડિકલ ટીમ અને કબીર ટેકરીના ઉત્સાહી સ્વયંસેવકોએ હાજર રહીને સરાહનીય સેવાઓ આપી હતી.

​અત્રે નોંધનીય છે કે, માનવસેવાના આ ઉત્તમ કાર્ય અંતર્ગત છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે આ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે.

Related Posts