ગીર અભ્યારણ્યના પ્રતિબંધિત વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાત્રિ રોકાણના આયોજનનો ઉલ્લેખ કરતી એક પત્રિકા તાજેતરમાં વાઇરલ થઈ હતી. આ બાબતે સ્પષ્ટ કરવામાં આવે છે, કે આવી કોઈપણ પરવાનગી વન વિભાગ ગીર (પૂર્વ) દ્રારા આપવામાં આવી નથી.
ગીર અભ્યારણ્ય વિસ્તારમાં કોઈપણ પ્રવૃત્તિ કે જેમાં વધુ પ્રમાણમાં લોકો ભેગા થવાની શક્યતા છે, અને જેના કારણે વન્યજીવોને ખલેલ પહોચવાની શક્યતાઓ છે, એવી કોઈપણ મંજૂરી વિભાગ દ્વારા આપવામાં આવી નથી અને ભવિષ્યમાં પણ વન્યજીવો અને ગીરના વિશાળ હિતોને ધ્યાનમાં રાખીને આવી કોઈપણ મંજૂરી આપવામાં આવશે નહીં. આવી બાબતો સામે તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગીર (પૂર્વ) વિભાગ દ્વારા વન્યજીવન સંરક્ષણ રહેઠાણ સુધારણા તથા સ્થાનિક હિત ધારકો સાથે સહઅસ્તિત્વ જાળવવા માટે મહત્વ પૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે, જેથી ટકાઉ વિકાસ અને વન્યજીવનના સર્વાંગી હિતમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય.
ગીર (પૂર્વ) વિભાગમાં સૌથી વધુ સિંહોની સંખ્યા નોંધાઈ છે. આ સિદ્ધિ ફ્રન્ટલાઈન વન કર્મચારીઓના અવિરત પરિશ્રમનું પ્રતિબિંબ છે. વિભાગ દ્વારા સંરક્ષિત વિસ્તાર તેમજ સંરક્ષિત વિસ્તારની બહાર વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેથી દરેક વન્યજીવનને ઉચ્ચતમ સ્તરે સંરક્ષણ, પર્યાવરણીય સંતુલન તથા દીર્ઘકાલીન ટકાઉપણું સુનિશ્ચિત થઈ શકે. પર્યાવરણ સંરક્ષણના હિતમાં વિભાગ અસરકારક અને સમયસર પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.
ઉપરાંત, સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી વન્યજીવનનું સંરક્ષણ મજબૂત રીતે જળવાઈ રહે.ગીર સાથે સંકળાયેલા તમામ હિતધારકો સાથે સંકલન કરી વિભાગ વન્યજીવન સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. કોઈ પણ ગેરકાયદેસર અથવા વન્યજીવનને ખલેલ પહોંચાડતી પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. “ગીરમાં ગુંજતી સિંહની દરેક ગર્જના સંરક્ષણની સફળતાની યાદ અપાવે છે.” તેમ નાયબ વન સંરક્ષકશ્રી, ગીર પૂર્વ એ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments