રાજુલા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ચાલી રહેલા કરોડો રૂપિયાના ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ સહિત નલ સેજલ યોજના અને હેન્ડ પંપ સંબંધિત કામગીરીમાં પણ નબળી ગુણવત્તા અને ગેરરીતિના ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે હવે કોંગ્રેસ પક્ષે ઉગ્ર વિરોધ નોંધાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે.
અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરુ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રોજેક્ટની નિષ્પક્ષ અને તકનિકી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે મૂળ કોન્ટ્રાક્ટર દ્વારા કામ એક પછી એક પેટા કોન્ટ્રાક્ટરોને સોંપાતા કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ભૂગર્ભ ગટર, નલ સેજલ યોજના તેમજ હેન્ડ પંપની કામગીરીમાં ટેન્ડર અને એસ્ટીમેટ મુજબ કામ થતું નથી. રોડ ખોદકામ બાદ યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી, ગટર લાઈન અને ચેમ્બરોની ગુણવત્તા શંકાસ્પદ છે તેમજ પાણી પુરવઠા અને હેન્ડ પંપ સંબંધિત કામગીરીમાં પણ ભારે બેદરકારી જોવા મળી રહી છે.
કાર્ય દરમિયાન સુરક્ષા ધોરણોના ભંગથી સામાન્ય લોકો અકસ્માતના ભય હેઠળ જીવવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારોમાં લોકોને રોજિંદી અવરજવર અને પાણી પુરવઠાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાના સરકારી નાણાં ખર્ચાયા છતાં સ્થળ પર કામગીરીની હાલત અત્યંત નબળી જોવા મળી રહી છે, જે ભ્રષ્ટાચાર અને નાણાંના દુરુપયોગ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
ટીકુભાઈ વરુએ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા જનઆંદોલન અને ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આ રજૂઆતની નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો, GUDCના મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા કલેક્ટર અમરેલી તથા રાજુલા નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ રવાના કરવામાં આવી છે.
રાજુલા શહેરમાં GUDCની કરોડો રૂપિયાની કામગીરી સામે ગંભીર સવાલો : કોંગ્રેસ પક્ષે ઉચ્ચસ્તરીય તપાસની ઉગ્ર માંગ ઉઠાવી

















Recent Comments