ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચોમાસા પૂર્વેની
તૈયારીઓ અંગે વર્ચ્યુઅલ પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન આગામી ચોમાસાની ઋતુમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજ
આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્ર ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે તે માટે વિવિધ વિભાગોની તૈયારીઓની
વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રીએ શહેરી વિસ્તારોમાં આવેલા જર્જરિત મકાનો અને બિલ્ડિંગોની યાદી તૈયાર કરવા અને જરૂરી
કાર્યવાહી હાથ ધરવા, મુખ્ય માર્ગો ઉપર આવેલા જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તથા ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ
સક્રિય રાખવા સૂચના આપી હતી. ઉપરાંત સ્વચ્છતા જળવાઈ રહે અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે
આગોતરી કામગીરી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
ચોમાસા દરમિયાન સ્થળાંતરની જરૂરિયાત ઊભી થાય તો આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી, વીજળી સહિતની
તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રાખવાની પૂર્વ તૈયારી કરવા સૂચના આપી હતી. તાલુકાવાર જનરેટરની
વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ શેત્રુંજય નદી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં બોટ અને રેસ્ક્યુ ટીમોને સજ્જ
રાખવા પણ જણાવ્યું હતું.
પ્રભારી મંત્રીશ્રીએ નીચાણવાળા વિસ્તારોમાં વસતા નાગરિકોને ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં
સમયસર ચેતવણી મળી રહે અને સલામત સ્થળે સ્થળાંતર થઈ શકે તે માટે આગોતરા આયોજન કરવા જણાવ્યું હતું.
ઉપરાંત જર્જરિત પુલોને તાત્કાલિક બંધ કરી વૈકલ્પિક ડાયવર્ઝનની વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચના આપવામાં
આવી હતી.
આરોગ્ય વિભાગને વરસાદી પાણીજન્ય રોગચાળો અટકાવવા તાકીદના પગલાં લેવા, મેડિકલ ટીમોને સજ્જ
રાખવા તેમજ જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી હતી. સગર્ભા માતાઓ માટે
અલાયદી વ્યવસ્થા ઉભી કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. મનીષકુમાર બંસલ તથા મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ
પ્રિ-મોન્સુન કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી વિવિધ તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડેય, નિવાસી અધિક
કલેક્ટર શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી જયશ્રીબેન જરુ, રિજિયોનલ
કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેક્ટર શ્રી ડી. એન. સતાણી, ડિઝાસ્ટર મામલતદાર શ્રી એ.ડી.કુબાવત
સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત જિલ્લા તથા તાલુકા સ્તરના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી
જોડાયા હતા.

















Recent Comments