અમરેલી

અમરેલી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં ૫૦૦ જેટલા બાળકો ઉત્સાહભેર જોડાયા

રાજ્ય સરકાર દ્વારા રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ તા. ૧૬ મે, ૨૦૨૬થી તા. ૩૦ મે, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં “સમર યોગ કેમ્પ – ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૪ કેન્દ્રો પર નિઃશુલ્ક યોગ કેમ્પો યોજાઈ રહ્યા છે, જેમાં આશરે ૫૦૦ જેટલા બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.

સમર યોગ કેમ્પ અંતર્ગત બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ રમતગમત સાથે સંકળાયેલી વિવિધ શારીરિક પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે જ યોગ્ય આહાર, શિસ્તબદ્ધ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ બાળકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. યોગના નિયમિત અભ્યાસથી બાળકોમાં એકાગ્રતા, સ્મરણશક્તિ, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવા હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં ગાંધીબાગ, અમરેલી ખાતે શ્રી શર્મિષ્ઠાબેન રાવલ, શ્રી કમલેશભાઈ રાવલ અને શ્રી સોનુ ડોડીયાના સંચાલનમાં યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાલમુકુન્દ હૉલ, અમરેલી ખાતે શ્રી અનિતાબેન રામાણી, શ્રી માંડલિયા સુમિતા અને શ્રી કોટડીયા અસ્મિતાના માર્ગદર્શન હેઠળ બાળકો યોગ તાલીમ મેળવી રહ્યા છે. 

ધારી સ્થિત યોગી વિઝન સ્કૂલ ખાતે શ્રી હીનાબેન રાવલ, શ્રી એકતાબેન પટેલ અને શ્રી હેતલબેન દવેના સંચાલનમાં કેમ્પ ચાલી રહ્યો છે. તેમજ રાજુલાના ગાયત્રી મંદિર, કૃષ્ણ સોસાયટી ખાતે શ્રી દિપાબેન તેરૈયા, શ્રી ઉર્મિલાબેન અને શ્રી ચેતનાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ યોગ કેમ્પ યોજાઈ રહ્યો છે.

કેમ્પ દરમિયાન બાળકોને ચિત્રપોથી, કેપ, યોગ પુસ્તક તેમજ એનર્જી ડ્રિંક જેવી ઉપયોગી સામગ્રી પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત, સમર યોગ કેમ્પ પૂર્ણ થયા બાદ ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

સમર યોગ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં નાની ઉંમરથી જ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો, સારા સંસ્કારોનું સિંચન કરવાનો તેમજ સ્વસ્થ, સજાગ અને સંસ્કારી પેઢીના નિર્માણનો છે. આ પ્રકારના આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે.

Related Posts