ગુજરાત

લંડન હીથ્રો એરપોર્ટ ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો

– હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી; ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી

– ખેડૂતો જાતે જ હવે વિદેશમાંથી ડૉલર-પાઉન્ડ કમાઈ શકશે; એફ.પી.ઓ. બનાવો અને સરકારની સબસિડી મેળવો : પેક હાઉસ ઓનર સમીર સાપરિયા

_ગાંધીનગર, તારીખ : 24 મે, 2026, રવિવાર_

“જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ ‘ઈન્ડીયન મેન્ગો’ નો ચસ્કો લાગ્યો છે. આ શબ્દો છે શ્રી દિગ્વિજયસિંહ ગોહિલના, જેઓ પ્રતિ વર્ષ કેરી ખરીદવા ગુજરાત રૂબરૂ આવે છે અને ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરે છે.

શ્રી ગોહિલ વધુમાં જણાવે છે કે, વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે.

*વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસર્યા બાદ મળે છે બને છે ‘ગ્લોબલ પ્રોડક્ટ’*

એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે.

રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત ‘કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ’ના માલિક શ્રી સમીર સાપરીયા જણાવે છે કે, અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ.

અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને આપી છીએ, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઈપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનસો કેરીની પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જુનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે.

*કેરી ની ગ્લોબલ પ્રોડક્ટ બનવાની પ્રક્રિયા : ડી-સેપિંગથી લઈને હાઇડ્રો-કૂલિંગ સુધી*

_બગીચામાંથી નીકળેલી કેરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની “ગ્લોબલ પ્રોડક્ટ” બને છે તેની પ્રક્રિયા રોમાંચક છે_

*ડી-સેપિંગ* : કેરી જ્યારે બરાબર પાકવા પર આવે ત્યારે તેને સવારના ઠંડા પહોરમાં તોડી પેક હાઉસમાં લાવી સૌથી પહેલું કામ ડી-સેપિંગનું થાય છે. કેરીની ડીંટડીને ઉંધી રાખીને સ્પેશિયલ કન્વેયર બેલ્ટ કે ટ્રે પર રાખવામાં આવે છે જેથી ડીંટડીનો બધો રસ (ચીક) નીકળી જાય. આનાથી કેરી કાળી પડતી નથી અને લાંબો સમય બગડતી નથી.

*હોટ વોટર ટ્રીટમેન્ટ* : લીલી કેરીને તોડી 48 અંશ સેલ્સિયસ થી 52 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા ગરમ પાણીમાં લગભગ ૧૦ મિનિટ માટે ડુબાડી રાખવામાં આવે છે.

આ પ્રક્રિયાથી કેરીમાં થતો ‘એન્થ્રેકનોઝ’ (કાળા ડાઘા પડવાનો રોગ) અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે. તેમજ ફળમાખી (Fruit Fly) ના ઇંડા અને ઇયળો મરી જાય છે. ગરમ પાણીના કારણે કેરીમાં કુદરતી ‘ઇથિલિન’ ગેસ સક્રિય થતાં બધી જ કેરીઓ એકસાથે અને એકસરખી રીતે પાકે છે.

*હાઇડ્રો-કૂલિંગ:* ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને 10 અંશ સેલ્સિયસ થી 15 અંશ સેલ્સિયસ સુધીના ઠંડા પાણીમાં ૧૦ મિનિટ માટે રાખવામાં આવે છે. ત્યારબાદ તેને હવામાં સંપૂર્ણપણે સુકવવામાં આવે છે. ઠંડકને કારણે કેરીનો શ્વસન દર (Respiration Rate) ધીમો પડી જાય છે, જેનાથી કેરી લાંબા સમય સુધી તાજી રહે છે, તેની છાલ કડક રહે છે અને પાક્યા પછી તેનો રંગ ખૂબ જ આકર્ષક અને પીળો દેખાય છે.

*”જ્યારે પ્રોડક્ટમાં દમ હોય અને તેને આધુનિક ટેકનોલોજીનો સંગાથ મળે, ત્યારે દુનિયાભરમાં નામના મેળવી શકાય છે. ગીરની વાડીઓથી નીકળેલી કેસર આજે વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે.”*
*— સમીર સાપરિયા, પેક હાઉસ ઓનર*

*ખેડૂતો માટે કમાણીની નવી ક્ષિતિજો: હવે સીધા કમાઓ ડૉલર-પાઉન્ડ*

એફ.પી.ઓ. (Farmer Producer Organization) ના માધ્યમથી ખેડૂતો કેરીને સીધી વિદેશમાં પોતાની રીતે જ એક્સપોર્ટ કરીને ડૉલર-પાઉન્ડમાં કમાઈ શકે છે. ખેડૂતો પોતાનું ગ્રુપ કે એફ.પી.ઓ. બનાવીને એકસરખું ઉત્પાદન કરે અને એક્સપોર્ટ કરે તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી અને સહાય કરવામાં આવે છે. આ માટે કોઈ ખેડૂત ભાઈઓને મદદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તેમને પૂરતી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે, તેમ શ્રી સાપરીયાએ જણાવ્યું હતું.

*કેરી બાદ હવે શાકભાજી પણ વિદેશમાં ધૂમ મચાવશે*

નિકાસકારોના જણાવ્યા મુજબ, માત્ર કેરી જ નહીં પરંતુ ૨૦૨૬ ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની જણસો પણ આ જ આધુનિક પ્રોસેસિંગ સાથે વિદેશી બજારોમાં મોકલવાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Related Posts