અમરેલી

સાવરકુંડલામાં કેન્સર પીડિત પશુપાલકના પરિવાર પર મધમાખીઓનો આતંક: તંત્રની ઘોર ઉદાસીનતા

​દુઃખોના પહાડ વચ્ચે આ 

નવી આફતનું  મંઝર છે,

અહીં લાચાર માનવ છે, 

ત્યાં મધમાખીનો લશ્કર છે.

​અમોને ભય સતાવે છે આ                             ઘરના નાના ભૂલકાંઓનો,

મદદ માંગવા ગયા જ્યાં, 

ત્યાં તંત્ર સાવ બહેરું છે.

–“પાંધી સર”

​સાવરકુંડલા શહેરના કાણકિયા કોલેજના ધાર વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી પશુપાલન અને દૂધ વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા ભોળાભાઈ જાડાભાઈ ડાંગર (ભરવાડ)ના ૧૧ સભ્યોનો પરિવાર હાલ ભારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. ઘરના મોભી ભોળાભાઈ પોતે કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે અને પરિવાર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો છે, તેવામાં છેલ્લા એક મહિનાથી તેમના ઘર નજીક આવેલા લીમડાના વૃક્ષ પર મોટી મધમાખીઓએ ડેરા જમાવ્યા છે.

આજરોજ સવારે પરિવારના એક મહિલા લીમડાના વૃક્ષ નીચે બેઠા હતા, ત્યારે અચાનક મધપૂડામાંથી ૧૦ થી ૧૨ મધમાખીઓએ તેમના પર હુમલો કરી દીધો હતો. મહિલાએ જીવ બચાવવા બાથરૂમ તરફ દોટ મૂકી હતી. આ કટોકટીની પળે ભોળાભાઈએ અદ્ભુત સમયસૂચકતા વાપરી પાણીની મોટર ચાલુ કરી પાઈપ વડે પાણીનો મારો ચલાવ્યો હતો, જેના કારણે મધમાખીઓ વિખેરાઈ ગઈ હતી અને મહિલાનો બચાવ થયો હતો. જો કે, મહિલાને શારીરિક ઈજાઓ પહોંચી છે.

આ ઘટનાથી પરિવારમાં, ખાસ કરીને નાના ભૂલકાઓમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. ભોળાભાઈએ આ અંગે નગરપાલિકાના સદસ્યને રજૂઆત કરતાં તેમણે “આ અમારા કાર્યક્ષેત્રમાં ન આવે, વન વિભાગનો સંપર્ક કરો” કહીને જવાબદારીમાંથી હાથ ધોઈ નાખ્યા હતા. ત્યારબાદ ભોળાભાઈએ વન વિભાગનો સંપર્ક સાધતા, ત્યાંથી કોઈ સરકારી મદદ આપવાના બદલે એક ખાનગી વ્યક્તિનો નંબર પધરાવી દેવાયો હતો. દુર્ભાગ્યે, તે ખાનગી વ્યક્તિનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે તેઓ હાલ કોઈ સામાજિક પ્રસંગમાં વ્યસ્ત છે.

​અત્યંત ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા આ પશુપાલક પરિવારની વહારે કોઈ ગંભીર ઘટના બને એ પહેલાં તાકીદે કોઈ સરકારી તંત્ર આવશે કે કેમ? કે પછી તંત્ર પણ કોઈ ગંભીર દુર્ઘટનાની પ્રતિક્ષા કરી રહ્યું છે? એવા સવાલો સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને પીડિત પરિવાર વતી વન વિભાગ અથવા સંબંધિત ઉચ્ચ તંત્ર તાત્કાલિક ધોરણે આ જોખમી મધપૂડાને અહીથી દૂર કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. પિડિતના જણાવ્યા મુજબ સાવરકુંડલાના સીમ વિસ્તારમાં મધમાખી કરડવાના કેસમાં મૃત્યુ થયાના દાખલા પણ જોવા મળેલ છે એમ તેમણે જણાવ્યું હતું વળી માલઢોર પર પણ આ મધમાખીઓ હુમલો કરે તો એનું શું? એ ચિંતા પણ આ પરિવારને સતાવી રહી છે. હાલ સમગ્ર પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે અને તંત્ર પાસે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આજીજી કરી રહ્યો છે.

Related Posts