અમરેલી

પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસે અમરેલીમાં ‘શ્રવણનું ઘર’ ટીફીન સેવાનો ભવ્ય પ્રારંભ

સનાતન સેવા મંડળ દ્વારા માનવ સેવા અને વડીલોની સહાય માટે અમરેલીમાં ‘શ્રવણનું ઘર’ અંતર્ગત ટીફીન સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુના પાવન જન્મદિવસના શુભ અવસરે શરૂ કરાયેલ આ સેવાકીય પ્રકલ્પ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.

આ પ્રસંગે સાવરકુંડલાના ભક્તિરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અસહાય વૃદ્ધો, દર્દીઓ તથા જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન પહોંચાડવાના સંકલ્પ સાથે સેવા શરૂ કરવામાં આવી હતી.

શુભારંભ પ્રસંગે શ્રી મુકુંદભાઈ મહેતા, શ્રી ભરતભાઈ મહેતા, શ્રી રાણીગભાઈ તેમજ શ્રી પ્રતાપબાપુ રાઠોડ સહિતના અગ્રણીઓ અને સેવાભાવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરોએ પણ હાજરી આપી આ લોકસેવાના કાર્યને બિરદાવ્યું હતું.

સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ‘શ્રવણનું ઘર’ ટીફીન સેવા ખાસ કરીને એવા વડીલો અને જરૂરિયાતમંદ લોકો માટે શરૂ કરવામાં આવી છે, જેઓ શારીરિક અથવા આર્થિક પરિસ્થિતિને કારણે પોતે ભોજન બનાવી શકતા નથી. કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહે અને વડીલોને ઘરઆંગણે જ પ્રેમથી ભોજન મળી રહે તે આ સેવાનો મુખ્ય હેતુ છે.

અમરેલીની ધર્મપ્રેમી જનતાએ સનાતન સેવા મંડળના આ માનવતાવાદી પ્રયાસને હર્ષભેર આવકારી શુભેચ્છાઓ પાઠવી છે. સમાજમાં સેવા, સંસ્કાર અને સહાનુભૂતિની ભાવના મજબૂત બનાવતું આ કાર્ય અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

Related Posts