સુરત અને નવસારી પાસે આવેલા સુપા નામના ગામમાં શ્રી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ ( SVNMT ) સંચાલિત એક આંખની હોસ્પિટલ આવેલી છે. જ્યાં ડો. ભાવિન પટેલ નામના રેટિનાનાં સ્પેશિયલીસ્ટ યુવાન ડોક્ટરે બહું મોટો સેવાયજ્ઞ શરું કર્યો છે. એમને એમના મિત્ર ડો. ભાવિન ભુવાનો સહયોગ મળ્યો અને પછી તો લોકો જોડાતા જ ગયા. આ હોસ્પિટલમાં આશરે પાંત્રીસ હજાર જેટલાં મફત ઓપરેશન થઈ ગયાં છે અને અનેક ગરીબોને પોતાની આંખોની રોશની પાછી મળી છે.
ડો. ભાવિન પટેલનું સ્વપ્ન છે કે જે લોકોનો અંધાપો ઓપરેશનથી દૂર થઈ શકે એવો એકપણ માણસ ભારતમાં અંધ ન રહેવો જોઈએ.
પૂજ્ય મોરારિબાપુએ આ હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોરનું ઉદ્ધાટન કર્યું છે અને આગામી પાંચ ડીસેમ્બર ૨૦૨૬ થી ૧૩ ડીસેમ્બર ૨૦૨૬ સુધી આ હોસ્પિટલ માટે સુપા ગામમાં એમણે પોતાની રામકથા પણ આપી છે.
ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર અને ઉમદા સમાજસેવક ડો જગદીશ ત્રિવેદીએ આ બન્ને ડોક્ટરને કહ્યું કે આપ બન્ને જો અમેરીકા આવો તો હું આપની હોસ્પિટલ માટે આપ કહો એટલાં કાર્યક્રમો તદ્દન નિઃશુલ્ક કરી આપું અને આ બન્ને ડોક્ટર બીજા બે સમર્પિત સેવક સાથે અમેરીકા આવ્યા અને મે માસમાં અમેરીકાના ત્રણ જુદા જુદા શહેરામાં કુલ ચાર કાર્યક્રમનું આયોજન કર્યું.
આ ચાર કાર્યક્રમમાંથી આ હોસ્પિટલને કુલ ચાર લાખ ત્રીસ હજાર ડોલર એટલે કે ભારતના ચાર કરોડ રૂપિયા દાનમાં પ્રાપ્ત થયા હતા.
ડલ્લાસના બે કાર્યક્રમમાં દીનેશ પટેલ , ધીરુભાઈ બાબરીયા, સાન હોજેના કાર્યક્રમમાં ભરત પટેલ , મહેન્દ્ર પટેલ અને સંજય પટેલ તેમજ લોસ એન્જલસના કાર્યક્રમમાં ચતુરભાઈ પટેલ , હર્ષિત પટેલે ખૂબ જહેમત ઉઠાવી હતી.
જગદીશ ત્રિવેદી પોતાના ત્રણ માસના રોકાણ દરમિયાન અમેરીકા અને કેનેડામાં આશરે બાવીસ જેટલાં કાર્યક્રમો આપી ગુજરાતની ઘણી બધી સંસ્થાઓને પોતાની ઈશ્વરદત્ત કળા દ્વારા બહું મોટી રકમ દાનમાં અપાવી રહ્યા છે.
( તસવીરમાં ડો. ભાવીન પટેલ , ડો. ભાવીન ભુવા, વિશાળ પ્રેક્ષકગણ અને જગદીશ ત્રિવેદી પોતાની લાક્ષણિક અદામાં જોવા મળે છે )

















Recent Comments