અમરેલી

મગફળીના બિયારણનો દેશી પદ્ધતિથી ઉગાવો ચેક કરવો જરૂરી, ખેડૂતને નુકસાનથી બચાવશે સરળ રીત

અમરેલી જિલ્લામાં મોટા પાયે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ચોમાસા પૂર્વે ખેડૂતોએ બિયારણની ખરીદી શરૂ કરી દીધી છે ત્યારે મગફળીના બિયારણનો ઉગાવો ચેક કરવો અત્યંત જરૂરી બની જાય છે. યોગ્ય રીતે ઉગાવો ચેક કરવાથી ખેડૂતને સમય, મજૂરી અને ખર્ચનું નુકસાન અટકાવી શકાય છે. ખેતી નિષ્ણાતો દ્વારા પણ બિયારણ વાવણી પહેલાં તેની ગુણવત્તા તપાસવાની સલાહ આપવામાં આવી રહી છે.

ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ બિયારણ ખરીદ્યા બાદ તેની જર્મિનેશન એટલે કે ઉગાવાની ક્ષમતા તપાસવી જોઈએ. ઘણી વખત બજારમાંથી લાવવામાં આવેલ અથવા ઘરે સંગ્રહ કરાયેલ બિયારણ ખેતરમાં વાવ્યા પછી યોગ્ય રીતે ઉગતું નથી. જેના કારણે ફરી વાવણી કરવાની ફરજ પડે છે અને ખાતર, મજૂરી તેમજ કિંમતી સમય બગડે છે.

બિયારણનો દેશી પદ્ધતિથી ઉગાવો ચેક કરવાની રીત ખૂબ સરળ અને ઓછા ખર્ચાળ છે. ખેડૂતોએ પહેલા 100 મગફળીના દાણા ગણી લેવા. ત્યારબાદ બિયારણને યોગ્ય દવાનો પટ આપવો જરૂરી છે જેથી ફૂગ કે અન્ય રોગથી બચી શકાય. પછી ભીના કોથળા અથવા ભીના કપડાં પર આ દાણા સમાન રીતે મૂકી દેવા.

આ કોથળાને એવી જગ્યાએ રાખવો જ્યાં સતત ભેજ જળવાઈ રહે. અંદાજે 4 થી 5 દિવસ સુધી ભેજ જાળવી રાખવી જરૂરી છે. પાંચ દિવસ બાદ કોથળો ખોલીને કેટલા દાણા ઉગ્યા તેની ગણતરી કરવી. જો 100 માંથી 75થી વધુ દાણા સારા રીતે ઉગેલા હોય તો તે બિયારણ ઉત્તમ અને વાવણી માટે યોગ્ય માનવામાં આવે છે.

જો ઉગાવો ઓછો જોવા મળે તો ખેડૂતોએ બિયારણ બદલવું અથવા વધુ પ્રમાણમાં વાવેતર માટે બીજનો જથ્થો રાખવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે વાવણી પહેલાં માત્ર થોડા દિવસનો આ પરીક્ષણ ખેડૂતને મોટા નુકસાનથી બચાવી શકે છે.

ખેડૂતોમાં હવે વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે દેશી ઉપાયો પ્રત્યે પણ જાગૃતિ વધી રહી છે. યોગ્ય બિયારણ પસંદગી અને ઉગાવાની તપાસ સારા પાક ઉત્પાદન માટે પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Related Posts