અમરેલી

અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારતના અમૃતકાળ’ અભિયાન અંતર્ગત આજે અમરેલી ખાતે રાજ્યના કૃષિ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અને ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ અને ગુજરાતમાં થયેલા સર્વાંગી વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓના વ્યાપક અમલીકરણ અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ ભારતે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા આયામો સ્થાપિત કર્યા છે. “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે દેશ આજે વિકસિત ભારતના સંકલ્પ તરફ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહ્યો છે. છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળતા મળી છે અને ગરીબ, ખેડૂત, મહિલા, યુવા તેમજ વંચિત વર્ગોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અનેક ઐતિહાસિક વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે. સરદાર સરોવર ડેમને પૂર્ણ ક્ષમતાએ કાર્યરત બનાવવાથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ પ્લાન્ટ, વડોદરા ખાતે ક્યુ૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન એકમ અને કચ્છના ખાવડામાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક જેવા અનેક પ્રોજેક્ટ્સે ગુજરાતના વિકાસને નવી દિશા આપી છે. રાજ્ય આજે સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણોના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ લાખો મહિલાઓને નિઃશુલ્ક ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કરોડો લાભાર્થીઓને મફત અનાજ, પી.એમ સ્વનિધિ યોજના હેઠળ હજારો શેરી ફેરિયાઓને આર્થિક સહાય, પી.એમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ, આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સુરક્ષા અને જનધન, મુદ્રા તથા વિશ્વકર્મા જેવી યોજનાઓ દ્વારા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન, અમૃત ભારત સ્ટેશન યોજના, સૂર્યઘર યોજના, કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા રોકાણો તથા માર્ગ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ મળી છે. કેન્દ્ર સરકારના પ્રયાસોથી ગુજરાતમાં નવી મેડિકલ કોલેજો, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ-વે અને આધુનિક જાહેર સુવિધાઓનું માળખું વિસ્તર્યું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અમરેલી જિલ્લાના વિકાસની માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાને બ્રોડગેજની સુવિધા, જિલ્લાના અમરેલી તેમજ સાવરકુંડલા ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, અમરેલી રાજમહેલ અને ટાવરનું રી-નોવેશન તેમજ રેસ્ટોરેશન સહિતના અનેકવિધ આધુનિક પ્રકલ્પોની ભેટ મળી છે. વિકસિત ગુજરાતમાં સંકલ્પ અને ચરિતાર્થ કરવા માટે અમરેલી જિલ્લો પણ પ્રગતિ કરી રહ્યો છે.

આગામી વર્ષોમાં પણ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના ધ્યેય સાથે વિકાસયાત્રા વધુ વેગવંતી બનશે અને વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિશ્વનું અગ્રણી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશે છેલ્લા ૧૨ વર્ષમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માત્ર વિકાસના આંકડાઓ નથી, પરંતુ કરોડો દેશવાસીઓના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ છે.

પ્રેસ કોન્ફરન્સમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરા મત વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, ધારી- બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષા બહેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલીબહેન માંગરોળીયા, રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, પૂર્વ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, જિલ્લાના જનપ્રતિનિધિઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts