અમરેલી

મોબાઈલ વગરના ડિજિટલ યુગમાં પણ મુકેશના દર્દભર્યા ગીતોથી સવારને રોમાંચક બનાવતા ૭૮ વર્ષના કલાકારની સંઘર્ષગાથા

​ખાલી ખિસ્સા ને મોબાઈલ                          વગર આખો સંસાર જીતે છે,

એ કુરુક્ષેત્રના સંગ્રામને પણ 

મુકેશ રફીના સૂરથી જીવે છે.

​–“પાંધી સર”

આજરોજ વહેલી સવારે સાવરકુંડલાની મુખ્ય બજાર, નાવલી નદી અને અમરેલી-મહુવા રોડ પર આવેલ અધ્યાપન મંદિર પાસેથી પસાર થતાં જ સંગીતપ્રેમી અમરીશભાઈ સાદિયા સાથે એક આકસ્મિક અને ભાવુક મુલાકાત થઈ હતી. તાજેતરમાં ભારતના સૂર સામ્રાજ્ઞી સુમન કલ્યાણપુરના અવસાનથી શોકમગ્ન અને કદાચ સવારના ચા-નાસ્તા વિનાના અમરીશભાઈના વલણમાં શરૂઆતમાં થોડી શુષ્કતા દેખાતી હતી. પરંતુ ‘ભૂખ્યા પેટે ભજન ન થાય’ એ ઉક્તિ વચ્ચે જેમ જ સંગીત અને હિન્દી સિનેમાની વાતો શરૂ થઈ, તેમ જ વાતાવરણ પલટાયું હતું.

​એક કપ ચાની ચુસ્કી સાથે મૂડમાં આવેલા ૭૮ વર્ષના વયોવૃદ્ધ અમરીશભાઈએ ફિલ્મ ‘સાંઝ ઔર સવેરા’ની પંક્તિઓ લલકારી હતી. ત્યારબાદ તેમણે ગાયેલું મુકેશનું સદાબહાર દર્દભર્યું ગીત “જો પ્યાર તૂને મુઝકો દિયા થા, વો પ્યાર તેરા મેં લૌટા રહા હૂં…” સાંભળીને વહેલી સવારનું વાતાવરણ અત્યંત ગમગીન અને લાગણીસભર બની ગયું હતું. તેમના કંઠમાં વહેતું એ દર્દ માત્ર ગીત પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ સાંપ્રત સામાજિક સિસ્ટમ સામે એક મૌન ઈશારો પણ કરી જતું હતું.

​૭૮ વર્ષની જૈફ ઉંમરે પણ મુકેશ અને રફીના ગીતોને જીવંત રાખતા અમરીશભાઈનું જીવન પોતે જ એક રોમાંચક વાર્તા અને કુરુક્ષેત્ર સમાન છે. આજના ડિજિટલ યુગમાં પણ તેમની પાસે પોતાનો મોબાઈલ નથી અને ઘણીવાર આર્થિક તંગીના કારણે પાકિટ પણ ખાલી જોવા મળે છે. આમ છતાં, સંઘર્ષને જ જીવનમંત્ર બનાવીને તેઓ અત્યંત હિંમતભેર અને જીંદાદિલીથી જીવન જીવી રહ્યા છે. અતીતની વાતોના ખજાના સમાન અમરીશભાઈ સાદિયા જેવા કલાકાર સાથે વિતાવેલી બે ક્ષણ ખરેખર જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપી જાય છે.

Related Posts