અમરેલી

જનકલ્યાણનું મહાપર્વ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ અને નાગરિકો સક્રિય સહભાગી બનશે. કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. ૦૫ જૂને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ વોર્મિંગ સામે હરિત ઉપાયરૂપ આ અભિયાનમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકો જોડાઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપશે.

ઉજવણીના ભાગરૂપે ‘પ્રગતિ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી, જનપ્રતિનિધિઓ તથા પ્રબુદ્ધ નાગરિકો જિલ્લાના ધાર્મિક, સામાજિક, પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકસિત થયેલા મહત્વના સ્થળોની મુલાકાત લઈ વિકાસકાર્યોનું અવલોકન કરશે.

વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે. આ કાર્યક્રમમાં વિકાસયાત્રા, જનહિતલક્ષી યોજનાઓ અને વિકસિત ભારતના સંકલ્પ અંગે ચર્ચા કરવામાં આવશે તેમજ પ્રબુદ્ધ નાગરિકો પોતાના પ્રતિભાવો રજૂ કરશે.

સેવા સેતુ કાર્યક્રમની તર્જ પર ‘જનકલ્યાણ શિબિરો’નું આયોજન કરવામાં આવશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સ્થળ પર લાભ વિતરણ, અરજીઓ સ્વીકારવા તથા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે ‘પ્રાકૃતિક કૃષિ શિબિરો’ યોજાશે. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને રાજ્ય સરકારના પ્રયાસો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યને આગામી પાંચ વર્ષમાં પ્રાકૃતિક ખેતી યુક્ત રાજ્ય બનાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બનશે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ કાર્યક્રમો યોજી સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

રાજ્ય સરકારની સિદ્ધીઓની પ્રદર્શની દ્વારા પાછલા ૧૨ વર્ષમાં જિલ્લામાં થયેલા સિમાચિન્હરૂપ વિકાસની ગાથાને પ્રદર્શની દ્વારા દર્શાવવામાં આવશે.

તા. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે કાર્યક્રમોનું સમાપન થશે. જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજી સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ શ્રેણી અમરેલી જિલ્લામાં જનકલ્યાણ ઉત્સવ તરીકે ઉજવાશે અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા જનભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

Related Posts