સુની ઇમારતોમાં ફરી આ કલરવનો મેળો જામ્યો છે,
રજાની મજા પૂરી થઈ, ને ભણતરનો ફરી દોર આવ્યો છે.
ખિસ્સાં થયા ખાલી વાલીઓનાં
આ મોંઘવારીના દોરમાં,
પણ બાળકના સ્મિત કાજે,
નવો રૂડો સંકલ્પ લાવ્યો છે.
–“પાંધી સર”
૩૫ દિવસના લાંબા ઉનાળુ વેકેશનની મોજ-મજા પૂર્ણ થતાં જ આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યની ૫૪ હજારથી વધુ શાળાઓના અંદાજે ૧ કરોડ ૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે આજથી અભ્યાસના શ્રીગણેશ થયા છે. ઘણા દિવસોથી સૂની પડેલી સાવરકુંડલા શહેર અને તાલુકાની શાળાની ઇમારતો આજે ફરી એકવાર માસૂમ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી.
નવા સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણમાં પાંખી જોવા મળી હતી. મોડી રાત સુધી જાગવાની અને મોડા ઉઠવાની આદતને કારણે વહેલી સવારની શાળાના બાળકો આજે જાગવામાં આળસ કરતા નજરે પડ્યા હતા. કેટલાય બાળકો વાલીઓ સામે શાળાએ ન જવા માટે અવનવા બહાના બનાવતા જોવા મળ્યા હતા, જેમ કે, *”પપ્પા, આજે તો પહેલો દિવસ છે એટલે છોકરાઓ ઓછા હશે, તો આપણે ગુરૂવારથી જઈએ તો ન ચાલે?”* જો કે, બીજી તરફ ઘણી શાળાઓમાં *પરંપરાગત રીતે કુમકુમ તિલક કરીને વિદ્યાર્થીઓનો ‘મંગલ પ્રવેશોત્સવ’ યોજી તેમને ઉત્સાહભેર સત્કારવામાં આવ્યા હતા.*
બાળકો શાળાએ જતાં થતાં જ ઘરમાં દિવસભર દોડધામથી કંટાળેલા માતા-પિતાએ “હાશ” કહીને રાહતનો શ્વાસ લીધો હતો અને બાળકોને વહેલા તૈયાર કરીને શાળાએ વળાવ્યા હતા. પરંતુ આ રાહતની સાથે વાલીઓ પર મોંઘવારીનો મોટો માર પણ પડ્યો છે. *નવું સત્ર શરૂ થતાં જ નવા પાઠ્યપુસ્તકો, નોટબુક, સ્ટેશનરી, ગણવેશ અને સ્કૂલ ફીના ખર્ચા આવી ગયા છે. એક તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવવધારાથી સામાન્ય જનતા પરેશાન છે, ત્યાં આ જૂન મહિનો વાલીઓ માટે આર્થિક રીતે ભારે આકરો સાબિત થઈ રહ્યો છે*











Recent Comments