શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કન્યા કેળવણી ક્ષેત્રે વર્ષોથી અગ્રેસર અને પ્રતિષ્ઠિત એવી સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થા શ્રી એસ. વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે નવીન શૈક્ષણિક સત્રનો ખૂબ જ ઉત્સાહભેર અને મંગલ વાતાવરણમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના પ્રથમ દિવસે સમગ્ર કેમ્પસ દીકરીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું.
નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરિવાર દ્વારા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક શ્રેષ્ઠતાને સન્માન આપતા, તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામોમાં શાળામાં પ્રથમ સ્થાન મેળવનાર દીકરી ભૂકણ રવિના અને દ્વિતીય સ્થાન મેળવનાર દીકરી બલદાણીયા નીલીમાના વરદહસ્તે વિદ્યાની દેવી મા સરસ્વતીનું પૂજન-અર્ચન અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. પોતાની જ સાથી દીકરીઓને આ રીતે સન્માનિત થતી જોઈને ઉપસ્થિત સૌ કોઈ પ્રેરિત થયા હતા.
આ કાર્યક્રમમાં ધોરણ-૯ માં નવો પ્રવેશ મેળવનાર તમામ દીકરીઓને કુમકુમ તિલક કરી અને ઉષ્માભર્યા શબ્દોથી આવકારવામાં આવી હતી. શાળાના આદરણીય આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા દ્વારા નવી પ્રવેશેલી દીકરીઓને સંસ્થાની ગરિમા, કડક શિસ્ત, ઉપલબ્ધ ભૌતિક સગવડો અને વર્ષ દરમિયાન થનારી શૈક્ષણિક તથા સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવી હતી. તેમણે દીકરીઓને લક્ષ્ય ઊંચું રાખી સખત મહેનત કરવા પ્રોત્સાહિત કરી હતી.
નવા શૈક્ષણિક સત્રના આ મંગલ પ્રારંભે સંસ્થા ‘શ્રી નૂતન કેળવણી મંડળ’ ના હોદ્દેદારો, શાળાના તમામ શિક્ષકગણ તેમજ વહીવટી સ્ટાફ દ્વારા તમામ દીકરીઓને નવા સત્ર માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. “દીકરી ભણે, દેશ આગળ વધે” ના સૂત્રને સાર્થક કરતા આ સત્ર પ્રારંભ ઉત્સવથી સમગ્ર શાળા પરિસરમાં એક નવો જ ચૈતન્યવંતો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.











Recent Comments