અમરેલી શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવાના હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન તા. ૦૯ જૂન, ૨૦૨૬ (મંગળવાર) ના રોજ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે પોલીસ હેડક્વાર્ટર્સ, અમરેલી ખાતે યોજાનાર છે. અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને આધુનિક માળખાગત વિકાસને પ્રાધાન્ય આપતાં કુલ રૂ. ૩૮૫.૪૮ લાખના વિકાસ પ્રકલ્પો અમલમાં મુકવામાં આવનાર છે.
આ પ્રસંગે અમરેલી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી કુલ ૨૧ આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ દિવાલના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંત, શહેરના
પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ રમતગમત સંકુલમાં બેડમિન્ટન કોર્ટ (ઇન્ડોર ડોમ), પીકલ બૉલ કોર્ટ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ કોર્ટ, ક્રિકેટ પિચ અને વોલીબોલ કોર્ટ જેવી આધુનિક રમતગમત સુવિધાઓના વિકાસકાર્યોનો પણ પ્રારંભ કરાવવામાં આવશે. તદુપરાંત, જેશિંગપરા વિસ્તારના સલાટ વિસ્તારને જોડતા માર્ગ પર કલ્વર્ટના નિર્માણ કાર્યનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેના માટે અંદાજિત રૂ. ૨૪.૫૮ લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ વિકાસકાર્યો પૂર્ણ થતાં શહેરમાં શિક્ષણ, બાળ કલ્યાણ, રમતગમત અને માર્ગ સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ નાગરિકોને વધુ સુવિધાસભર માળખાગત સેવાઓ ઉપલબ્ધ બનશે. અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે હાથ ધરવામાં આવતી વિવિધ પહેલોમાં આ પ્રકલ્પો મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. અમરેલીના આગેવાનો, જનપ્રતિનિધિઓ, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા નાગરિકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગપાલિકા, અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.











Recent Comments