અમરેલી શહેરના શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સોપાનરૂપ બની રહેલી શ્રી સરકારી માધ્યમિક શાળા, અમરેલી (શહેર)નો શુભ પ્રારંભ આવતીકાલે તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ કરાવવામાં આવશે.
અમરેલી શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળા તરીકે શરૂ થનારી આ સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને આધુનિક શિક્ષણ ઉપલબ્ધ કરાવશે. કાર્યક્રમ સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે. જ્યારે પ્રવેશ પ્રક્રિયા સવારે ૮:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. શાળાનું સંચાલન હાલ રોકડિયાપરા પ્રાથમિક શાળા, અમરેલી (શહેર) ખાતે કાર્યરત રહેશે.
નવી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, વિજ્ઞાન લેબની સુવિધા, ડિજિટલ ક્લાસરૂમ, રમતગમત માટેની વ્યવસ્થાઓ, સમૃદ્ધ પુસ્તકાલય તેમજ સંસ્કાર અને શિક્ષણ પર વિશેષ ભાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે શરૂ થનારી આ શાળા અમરેલી શહેરના વિદ્યાર્થીઓ માટે નવી તકો અને ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અવસરે ઉપસ્થિત રહી પ્રવેશ પ્રક્રિયાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.











Recent Comments