પ્રવાસન સ્થળ તરીકે જાણીતા અમરેલી જિલ્લામાં આવેલ ધારી શહેર આસપાસના હોટલ તથા રેસ્ટોરન્ટોમાં પ્રવાસીઓ અને ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરી ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પટેલ ડાઈનિંગ હોટલ, શ્રદ્ધા હોટલ, બ્રહ્મ ભોજનાલય, એસ.એસ. ફેન્સી ઢોસા, અમીરસ રેસ્ટોરન્ટ સહિત ૦૫ ખાણીપીણી એકમોની મુલાકાત લેવામાં આવી હતી. ટીમ દ્વારા તૈયાર ખાદ્ય પદાર્થો તેમજ કાચા માલની ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત તૈયાર શાક સબ્જી, સંભાર, ચટણી, પનીર કુલ ૧૬ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ અર્થે રાજ્યની માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરીક્ષણના અહેવાલના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત કાચા માલનો ઉપયોગ કરવા તેમજ ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને વિતરણ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી હતી. તેમ ડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળની એક યાદીમાં જણાવાયું છે.











Recent Comments