કનૈયાએ કરી’તી હઠ સદાયે
એ જ ચંદ્ર માટે,
અહીં બાળક રડે છે બસ પિતાના એક પળ માટે.
નથી જોઈતા એને હવે
આ ડિજિટલ રમકડાં,
એ રિસાયો છે સમય સામે,
ફક્ત આપના જ વ્હાલ માટે.
–“પાંધી સર”
આજના આધુનિક, ગતિશીલ અને અતિ વ્યસ્ત ડિજિટલ યુગમાં શિશુ સંભાળ એ માત્ર એક દૈનિક જવાબદારી નથી રહી, પરંતુ એક અત્યંત જટિલ પ્રક્રિયા બની ગઈ છે. આ એક એવી સાધના છે જે વાલીઓ પાસે અપાર કૂનેહ, ધૈર્ય, પ્રેમ અને સમર્પણ માંગી લે છે. એક સમય હતો જ્યારે બાળકના હાથમાં માટીના રમકડાં, રસ્તા પરથી વીણેલા પથ્થરો, કોલ્ડ ડ્રિંકના ખાલી ઢાંકણાં અને દાદીમાએ કપડાના ડૂચામાંથી વ્હાલપૂર્વક બનાવેલી ઢીંગલી શોભતા હતા. આજે આ બધું જ ક્યાંક લુપ્ત થઈ ગયું છે અને તેની જગ્યા મોબાઈલ કે ટેબ્લેટની નિર્જીવ સ્ક્રીને લઈ લીધી છે.
કોઈ વ્હાલી વસ્તુ કે માંગ માટે રિસાઈ જવું, અને ધમપછાડા કરીને પણ પોતાની વાત મનાવવી. આમ જોતાં ‘હઠ’ કરવી એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં બાળહઠના અદભુત ઉદાહરણો જોવા મળે છે. ખુદ ભગવાન કૃષ્ણએ માતા યશોદા પાસે આકાશના ચંદ્રને રમકડા તરીકે મેળવવાની હઠ કરી હતી, તો બાળ હનુમાનજીએ તો સૂર્યને જ ફળ સમજીને પકડી લાવવાની હઠ કરીને આખી સૃષ્ટિને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. આપણા લોકજીવનમાં પણ ‘બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ’ને સર્વોપરી ગણવામાં આવી છે. બાળક જ્યારે હઠ કરે છે ત્યારે તે વાસ્તવમાં પોતાની લાગણીઓ અને અધિકાર પ્રગટ કરતું હોય છે, પરંતુ આજના સમયમાં આ માસૂમ હઠને સાંભળવાનો સમય પણ વાલીઓ પાસે ખૂટતો જાય છે.
બાળક માટે ઘરની અંદર માતા-પિતા અને દાદા-દાદીની હૂંફ જેટલી જરૂરી છે, તેટલું જ જરૂરી બહાર બાળ-ગોઠિયા (મિત્રો) સાથે રમવું, ભમવું અને ઝગડવું છે. મિત્રો સાથે કિટ્ટા થઈ જવું અને પળવારમાં બધા મતભેદો ભૂલીને ફરી પાછા અબોલા તોડીને એક થઈ જવું. આ નિર્દોષતા બાળકના સામાજિક અને માનસિક વિકાસ માટે અનિવાર્ય હતી. મોટે-મોટેથી ગવાતા બાળગીતો, જોડકણાં, ઘર-ઘરની રમત અને તેમાં પપ્પા-મમ્મી કે દાદા-દાદીના રોલ ભજવવાની એ મજા હવે વિસરાઈ રહી છે. ચોમાસામાં વહેતા પાણીમાં છબછબિયાં કરવા, કાગળની હોડીઓ તરાવવી, ગારાની માટી ખૂંદવી અને પ્રકૃતિના અંશો જેવા કે મોર, બિલાડી, ખિસકોલી કે કૂતરા પાછળ દોટ મૂકવી એ બાળકના સાહજિક આનંદના સ્ત્રોત હતા, જે હવે ચાર દીવાલો વચ્ચે કેદ થઈ ગયા છે.
ઓફિસની ફાઈલોમાં અટવાયેલું વાલીપણું
આજના શિશુઓ પોતાના માતા-પિતા પાસેથી કોઈ મોંઘા ગેજેટ્સ નહીં, પરંતુ અગાધ પ્રેમ અને સમયની અપેક્ષા રાખે છે. પરંતુ કમનસીબે, આ વ્હાલ અને સમય ઓફિસની ફાઈલો, લેપટોપ અને કરિયરની દોડમાં લુપ્ત થતા જણાય છે. બાળકો આખું અઠવાડિયું જે રવિવારની આતુરતાથી અને બેસબ્રીથી રાહ જોતા હોય છે, તે દિવસે પણ પરિવાર તરફથી તેમને ઈચ્છે એટલો સમય મળી શકતો નથી.
પરિણામે, બાળક એકલતા અનુભવે છે અને પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે. તે પોતાની એક અલગ જ કાલ્પનિક દુનિયા રચી લે છે, જેમાં પરીઓ, બોલતા પ્રાણીઓ, ભવ્ય મહેલો અને નિર્દોષ આનંદ હોય છે. જો આપણે આપણા બાળકોને આ કાલ્પનિક એકલતામાંથી બહાર લાવી સાચો આનંદ આપવો હોય, તો તેમને આપણી પરંપરાગત હૂંફ અને સમય આપવો જ પડશે.


















Recent Comments