ગુજરાત

માતાનું દૂધ એ બાળક માટે ‘કુદરતી રસી’: આજથી આગામી તા. ૭ ઑગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬’ની ઉજવણી

માતાનું દૂધ એ બાળક માટે કુદરતી રસી સમાન છે, જે બાળકના જીવન, પોષણ અને વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. પ્રસૂતિ બાદ બાળકના જન્મ પછીનો પ્રથમ કલાક એટલે કે “ગોલ્ડન અવર” અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન સ્તનપાન શરૂ કરવાથી નવજાત શિશુનો મૃત્યુદર નોંધપાત્ર રીતે ઘટે છે, બાળકને ચેપ સામે રક્ષણ મળે છે તેમજ બાળકના શ્વાસ તથા શરીરનું તાપમાન સ્થિર રહે છે. આ ઉપરાંત પ્રસૂતિ બાદ ‘બ્રેસ્ટ ક્રૉલ’ એટલે કે નવજાત બાળકને માતાના પેટ પર મૂકતાં તે સ્વાભાવિક રીતે સ્તન તરફ આગળ વધે છે અને સ્તનપાન શરૂ કરે છે, જેથી માતા અને બાળક વચ્ચેનું બંધન મજબૂત થાય છે.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે તા. ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની આ વર્ષની થીમ “જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન: અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવીએ” નક્કી કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે દરેક પરિવાર અને સમુદાયને બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે સ્તનપાન અંગે જાગૃત બનવા અને આ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી છે.

આ અંગે વધુ વિગતો આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ-૨૦૨૬’ નો મુખ્ય ઉદ્દેશ્ય શિશુ-નાના બાળકોના યોગ્ય પોષણ માટે પરિવાર અને સમાજને જાગૃત કરવાનો, સ્તનપાનને પ્રોત્સાહિત તથા સુરક્ષિત કરવા માટે મજબૂત નીતિઓનું અમલીકરણ તેમજ સરકાર, સંસ્થાઓ અને સમાજ વચ્ચે સહકાર વધારવાનો છે. સમાજમાં આજે પણ જાગૃતિનો અભાવ, પ્રથમ દૂધ (કોલોસ્ટ્રમ) અંગેની ગેરમાન્યતાઓ અને પ્રી-લેક્ટિયલ ખોરાક આપવાની જૂની પરંપરાઓ જેવા પડકારો જોવા મળે છે. આથી માતા-પિતાને સાચી અને નિષ્પક્ષ માહિતી મળે તે સુનિશ્ચિત કરવા માટે બાળ ખોરાક અને સ્તનપાન અંગેના IMS અધિનિયમનું વધુ ચુસ્ત અમલીકરણ તથા ખોટી માન્યતાઓ દૂર કરવી અત્યંત જરૂરી છે.

મંત્રી શ્રી વકીલે ઉમેર્યું હતું કે, આ અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે ‘સુપોષણ સંવાદ’ જેવા વિવિધ કાર્યક્રમો યોજીને સ્તનપાનની સાચી પદ્ધતિઓ અંગે જાગૃતિ લાવવામાં આવશે. દરેક નવજાત બાળકને જન્મના પ્રથમ એક કલાકના ગોલ્ડન અવરમાં માતાનું દૂધ મળે અને શરૂઆતના છ મહિના સુધી માત્ર સ્તનપાન જ ચાલુ રહે તે માટે આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ અને આ સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડી ‘સુપોષિત ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બનીએ, તેમ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે અનુરોધ કર્યો હતો

Related Posts