ગુજરાત

ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યના સંરક્ષણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી અને અમલીકરણની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ દ્વારા તા. 17 જૂન, 2026ના રોજ ગોંડલ ખાતે આવેલી મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે સઘન તપાસ (રેડ) કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પેઢીમાંથી કુલ ચાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ધાણા પાઉડર (Coriander Powder – Loose) અને કોર્ન પાઉડર (Corn Powder – Loose) ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ બંને પદાર્થોનો આશરે 6,766 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 8,22,620/- થાય છે, તેને સીઝ કરવામાં આવ્યો હતો.

તેમજ મરચું પાઉડર (Chilly Powder – Loose) અને હળદર પાઉડર (Turmeric Powder – Loose) ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ખાદ્ય પદાર્થોનો આશરે 28,671 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 1,02,81,585/- થાય છે, તેને પણ સીઝ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન કુલ 35,527 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 1,11,04,205/- (એક કરોડ અગિયાર લાખ ચાર હજાર બસો પાંચ) થાય છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. લેવામાં આવેલા નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલના આધારે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવામાં આવશે નહીં.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ચકાસણી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવી રહ્યું છે અને નાગરિકોના આરોગ્યના હિતમાં આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે

Related Posts