ભાવનગર

પાલીતાણાના મોખડકા ગામે ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો

ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પાલીતાણા તાલુકાના મોખડકા ગામ સ્થિત
ભાયાણીની વાડી ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ. સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રીમતી હેતલબેન દવે દ્વારા ઘરેલું હિંસા
અધિનિયમ-૨૦૦૫ની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઘરેલું હિંસાના
વિવિધ પ્રકારો, મહિલાઓને પ્રાપ્ત કાનૂની હકો, રાહત અને રક્ષણની વ્યવસ્થાઓ, બાળકોની કસ્ટડી સંબંધિત
જોગવાઈઓ તેમજ હિંસા સામે ન્યાય મેળવવા માટે ડોમેસ્ટિક ઇન્સિડન્ટ રિપોર્ટ (DIR) અને પ્રોટેક્શન અધિકારીની
ભૂમિકા અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી હિતેશભાઈ ધોરીયાએ મહિલા સ્વાવલંબન અને મહિલા સશક્તિકરણ
સંબંધિત યોજનાઓની માહિતી આપી હતી. સર ટી હોસ્પિટલના કેન્સર વિભાગના વડા ડૉ. નિલેષભાઈ કુચાએ
કેન્સરના વિવિધ પ્રકારો, તેના લક્ષણો, નિવારણ તેમજ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સર અંગે વિસ્તૃત
સમજણ આપી હતી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ ઘાઘરેટિયાએ મહિલાલક્ષી સરકારી
યોજનાઓ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા
હતા.
સેમિનારમાં પાલીતાણા આઈસીડીએસ કચેરીના શ્રી કુલદીપભાઈ દવે સહિત અધિકારીઓ, કર્મચારીઓ તેમજ
મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts