સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે વર્ષારાણીનું ધીમી ધારે આગમન થયું છે. લાંબા ઈન્તજાર બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ ભારે ગરમીમાંથી રાહત મેળવી ખુશીની લહેર અનુભવી છે.
વરસાદ શરૂ થતાં જ લાંબા સમયથી ગરમીથી તોબા પોકારી ગયેલા યુવાનો અને બાળકો રસ્તા પર નીકળી પડ્યા હતા અને ન્હાવાનો અનોખો આનંદ માણ્યો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ પણ આ પ્રથમ વરસાદમાં ભીંજાઈને હરખાતા જોવા મળ્યા હતા. અનેક લોકોએ પોતાના મોટરસાયકલ, સ્કૂટર અને સાયકલ પર સવાર થઈને વરસાદી મૌસમની મનભરીને મોજ માણી હતી. પ્રકૃતિની સાથે પશુ-પક્ષીઓમાં પણ એક નવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
બરાબર શાળા છૂટવાના સમયે જ વરસાદનું આગમન થતાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. બાળકોને લેવા માટે વાલીઓ તાબડતોબ છત્રી અને રેઈનકોટ લઈને શાળાએ પહોંચતા જોવા મળ્યા હતા. અચાનક આવેલા વરસાદને કારણે શાળાના બાળકો ભારે રોમાંચિત થઈ ગયા હતા.
ભૂમિપુત્રોમાં આનંદ, પરંતુ વાવણી બાબતે કૃષિ વિભાગની સાવચેતીની અપીલ
આ વરસાદને પગલે જગતના તાત ગણાતા ખેડૂતોમાં પણ ભારે હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. જો કે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ હજુ સત્તાવાર ચોમાસાની શરૂઆત નથી. ચાલુ વર્ષે અલ-નીનો (El Niño) ની અસર થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આથી, ખેડૂત ભાઈઓએ ઉતાવળ કરી ઉતાવળી વાવણી કરવાથી બચવું જોઈએ અને પૂરતો ભેજ સાયન્ટિફિક રીતે જમીનમાં ઉતરે તેની રાહ જોવી જોઈએ. સાવચેતીના પગલારૂપે તમામ ખેડૂતોને હવામાન વિભાગ દ્વારા સમયાંતરે પ્રસારિત થતી સત્તાવાર સૂચનાઓ અને બુલેટિનને ગંભીરતાથી ધ્યાનમાં લઈને જ આગળનું આયોજન કરવા અનુરોધ કરાયો છે.

















Recent Comments