ગુજરાત

અમદાવાદની સોલા સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ એક્શન મોડમાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ વેગવંતુ બન્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુરક્ષાને કેન્દ્રમાં રાખી વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હોસ્પિટલના વિવિધ વિભાગોમાંથી અંદાજે ૭૯ કિલો ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો તેમજ ૧,૩૬૫ કન્ડમ વસ્તુઓને નિયમ મુજબ સ્ક્રેપ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ. હેમાંગિની પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલજન્ય ચેપ (નોઝોકોમિયલ ઇન્ફેક્શન) ઘટાડવાના ઉદ્દેશ સાથે માઇક્રો લેવલ પર સફાઈ, જંતુમુક્તીકરણ અને બિનજરૂરી સામગ્રી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દર્દીઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ સર્જવા સમગ્ર હોસ્પિટલમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
અભિયાન દરમિયાન હોસ્પિટલના ઇનડોર, આઉટડોર, કમ્પાઉન્ડ અને શૌચાલય સહિતના તમામ વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી છે. ઉપરાંત ૫૦૮ અગ્નિશામક યંત્રોનું રિફિલિંગ અથવા નવું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
સુવિધાઓના જાળવણી કાર્યમાં ૩૧૯ નળોની તપાસ દરમિયાન ૫૬ નળોનું સમારકામ કરવામાં આવ્યું, બદલવામાં આવ્યા. વીજ વ્યવસ્થામાં ૬૩ બલ્બ અને ૨૨ પંખાઓનું સમારકામ કરીને દર્દીઓ અને તેમના સ્વજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલના કુલ ૫૭૫ ફર્નિચર, મેડિકલ અને આઈટી સાધનોમાંથી ૧૦૩ વસ્તુઓને રિપેર કરીને ફરી ઉપયોગલાયક બનાવવામાં આવી છે.

ડૉ. પટેલના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં વપરાતી આશરે ૩૦૦ જૂની ચાદરો, ઓશીકાના કવર અને ગાદલાં પણ તબક્કાવાર બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને બાયોમેડિકલ વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે કલર કોડિંગ આધારીત વિશેષ તાલીમ આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલના દરેક ફ્લોર, દીવાલો, બારીઓ, કાચ અને પંખાઓની નિયમિત સફાઈ ઉપરાંત ટોઇલેટ, બાથરૂમ, તૂટેલી ટાઇલ્સ સહિતના સિવિલ રિપેરિંગના કામ પણ ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા કોઈ એક દિવસનું અભિયાન નહીં પરંતુ વર્ષભર ચાલતી સતત પ્રક્રિયા છે અને હોસ્પિટલજન્ય ચેપનું પ્રમાણ ઘટાડવા માટે તંત્ર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોએ પણ હોસ્પિટલની સ્વચ્છતા અને સેવાઓની પ્રશંસા કરી હતી.

સાણંદના પ્રકાશકુમાર મેણિયાએ જણાવ્યું હતું કે ડૉક્ટરોથી લઈને સફાઈ કર્મચારીઓ સુધી તમામ સ્ટાફે ઝડપી અને સહયોગપૂર્ણ સેવા આપી હતી. તેમણે નાગરિકોને હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવાની અપીલ કરી હતી.

બોડકદેવના અમી પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલ અંગે મનમાં રહેલો ગંદકીનો ભ્રમ સોલા સિવિલની મુલાકાત બાદ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. સતત સફાઈ, શુદ્ધ પીવાનું પાણી અને વ્યવસ્થિત વાતાવરણને કારણે હોસ્પિટલ કોઈ કોર્પોરેટ હોસ્પિટલથી ઓછી લાગતી નથી.

કોરોના કાળથી હોસ્પિટલમાં સેવા આપી રહેલા સફાઈ કર્મચારી રમીલાબેન મકવાણાએ જણાવ્યું હતું કે દર્દીઓના બેડ, લોકર, વેન્ટિલેટર અને મોનિટર જેવા સંવેદનશીલ સાધનોની દરરોજ સઘન સફાઈ અને જંતુમુક્તીકરણ કરવામાં આવે છે. જરૂર પડ્યે દર્દીઓની ચાદરો દિવસમાં બે વખત પણ બદલવામાં આવે છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં હાથ ધરાયેલી આ કામગીરી રાજ્યની સરકારી હોસ્પિટલો માત્ર ગુણવત્તાયુક્ત સારવાર જ નહીં, પરંતુ સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણની કટિબદ્ધતા નું પ્રતિબિંબ છે.

Related Posts