રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના સત્તાવાર અહેવાલ મુજબ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સૌથી વધુ ૧૦ ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે.
- અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ૯ ઇંચથી વધુ, ખાંભામાં ૬ ઇંચથી વધુ અને સાવરકુંડલામાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે, જાફરાબાદ, બગસરા અને લીલીયા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
- ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૫ ઇંચથી વધુ અને આહવા તાલુકામાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
- ગત ૨૪ કલાકમાં અમરેલી જિલ્લામાં સરેરાશ ૪ ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર ડાંગ જિલ્લામાં પણ સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
- સાબરકાંઠાના વિજયનગર અને ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ ૪-૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગરના જેસર અને નવસારીના ચીખલીમાં ૩ ઇંચથી વધુ વરસાદ થયો છે.
- ભાવનગરના મહુવા અને ગારીયાધાર; વલસાડના વાપી, ઉમરગામ અને કપરાડા; તાપીના ડોલવણ, વ્યારા અને વાલોડ; ગીર સોમનાથના ગીર ગઢડા અને કોડીનાર; નવસારીના ગણદેવી; સુરેન્દ્રનગરના ચુડા; સુરતના અંબિકા તેમજ અમરેલી તાલુકામાં પણ ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
- રાજ્યના અન્ય ૩૨ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ, જ્યારે ૧૦૫ તાલુકાઓમાં ૧ ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
- આમ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૧૬૪ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે.
મોસમનો કુલ સરેરાશ વરસાદ (ઝોન વાઈઝ)
આજે તારીખ ૦૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીની સ્થિતિએ રાજ્યમાં મોસમનો એકંદરે ૬ ઇંચથી વધુ એટલે કે સરેરાશ ૧૭ ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં,
- સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૨૩ ટકાથી વધારે
- દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૦ ટકાથી વધુ
- પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં ૧૨ ટકાથી વધુ
- ઉત્તર ગુજરાત ઝોનમાં ૧૦ ટકાથી વધુ અને
- કચ્છ ઝોનમાં સૌથી ઓછો માત્ર ૦.૪૨ ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યના જળાશયોની સ્થિતિ
ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં ૨.૧૫ લાખ MCFT એટલે કે આશરે ૬૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં પણ ૨.૦૯ લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે.
- રાજ્યના ૦૨ ડેમ સંપૂર્ણ ૧૦૦% ભરાયા છે, ૧૮ ડેમ ૭૦%થી વધુ, ૨૦ ડેમ ૫૦%થી વધુ, ૪૯ ડેમ ૨૫%થી વધુ અને ૧૧૭ ડેમ ૨૫% કરતા ઓછા ભરાયેલા છે.
- વર્તમાન જળસપાટીને જોતાં ૦૬ ડેમ ‘હાઇ એલર્ટ’ પર, ૦૭ ડેમ ‘એલર્ટ’ પર અને ૦૭ ડેમ ‘વોર્નિંગ લેવલ’ પર રાખવામાં આવ્યા છે.
સ્થળાંતર અને રેસ્ક્યુ કામગીરી
વરસાદની સંભવિત કટોકટીને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. નવસારી, જૂનાગઢ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૭૭ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૬૦ નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
NDRF અને SDRFની ટીમો તૈનાત
રાજ્યમાં કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ કામગીરી હેઠળ NDRFની ૧૦ અને SDRFની ૨૫ ટીમો મળીને કુલ ૩૫ ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત, તાકીદની જરૂરિયાત માટે NDRFની ૪ અને SDRFની ૮ ટીમોને હેડક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
ભારતીય હવામાન વિભાગની આગાહી અને દરિયામાં સર્જાયેલા કરંટને ધ્યાને રાખીને, રાજ્યના તમામ માછીમારોને આગામી તા. ૦૯ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી
ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યના કુલ ૨,૮૦૪ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઊર્જા વિભાગની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને ૨,૭૩૮ ગામોમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલા ૬૬ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.




















Recent Comments