અમરેલી

વરસાદની આગાહીને પગલે અમરેલી નગરપાલિકા એલર્ટ મોડમાં

ચીફ ઓફિસર ઓફિસ છોડીને ગ્રાઉન્ડ પર પહોંચ્યા, પ્રમુખ પ્રતિનિધિ સંદીપભાઈ માંગરોળિયા પણ રહ્યા હાજર

અમરેલી : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમરેલી નગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. વરસાદી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસની કામગીરી છોડીને સીધા મેદાનમાં પહોંચ્યા હતા અને શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ સંદીપભાઈ માંગરોળિયા પણ ગ્રાઉન્ડ પર હાજર રહી અધિકારીઓ સાથે સતત સંકલન કરતા જોવા મળ્યા હતા. શહેરના જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યાં પાલિકાની ટીમને તાત્કાલિક પાણીના નિકાલ માટે કામગીરીમાં લગાડી દેવામાં આવી હતી.

નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પંપ સહિતની જરૂરી વ્યવસ્થા સાથે સ્થળ પર જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને પણ વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા અને કોઈ સમસ્યા સર્જાય તો તાત્કાલિક પાલિકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related Posts