અમરેલી

રાજુલામાં જન્મ-મરણના 700થી વધુ કેસ બે વર્ષથી પેન્ડિંગ ટીકુભાઈ વરૂ

અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી રાજુલા તાલુકા અને રાજુલા શહેરમાં અંદાજે જન્મ-મરણના દાખલાના 700થી વધુ કેસ છેલ્લા બે વર્ષથી મામલતદાર કચેરીમાં પેન્ડિંગ હોવાની ગંભીર રજૂઆત કરી છે.
તેમણે જણાવ્યું કે સામાન્ય નાગરિકો પોતાના હક્કના દાખલા મેળવવા માટે વારંવાર મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓ, મહિલાઓ, વડીલો અને સામાન્ય નાગરિકોને શાળા-કોલેજમાં પ્રવેશ, સરકારી યોજનાઓનો લાભ, વારસાઈ પ્રક્રિયા, આધાર કાર્ડ, પાસપોર્ટ સહિતના વિવિધ કામોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
શ્રી ટીકુભાઈ વરૂએ મુખ્યમંત્રીને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવી, છેલ્લા બે વર્ષથી પેન્ડિંગ રહેલા તમામ કેસોનો તાત્કાલિક નિકાલ કરાવવા તેમજ બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં સત્તાધારી પક્ષની સરકાર હોવા છતાં સામાન્ય નાગરિકોને જન્મ-મરણ જેવા મૂળભૂત દાખલા માટે બે-બે વર્ષ સુધી રાહ જોવી પડે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. જનતાને સમયસર સેવા આપવાની સરકારની જવાબદારી છે, તેથી આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી તેમણે માંગણી અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરૂએ કરી છે.

Related Posts