ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના માત્ર ૯ વિદ્યાર્થીઓએ અમરેલી જિલ્લાની ૧૦૨ સરકારી શાળાના ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને વી.આરની પ્રાયોગિક તાલીમ આપી ઇતિહાસ રચ્યો
અમરેલી: ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ, અમરેલી દ્વારા ‘ટેકનોરથ – ટેક્નોલોજી ઓન વ્હીલ્સ’ અભિયાન અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે એક અનોખો ઇતિહાસ સર્જવામાં આવ્યો છે. શાળાના માત્ર ૯ વિદ્યાર્થી ટ્રેનરોએ બે મહિનાથી પણ ઓછા સમયમાં અમરેલી જિલ્લાની ૧૦૨ સરકારી શાળાઓના કુલ ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, વર્ચ્યુઅલ રિયાલિટી , આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ટેમ આધારિત આધુનિક ટેક્નોલોજીની સંપૂર્ણ પ્રાયોગિક તાલીમ આપી “વિધાર્થીઓ જ વિધાર્થીઓના માર્ગદર્શક” મોડેલને સફળતાપૂર્વક સાકાર કર્યો છે.
‘ટેકનોરથ – ટેક્નોલોજી ઓન વ્હીલ્સ’ એક મોબાઇલ ટેક્નોલોજી લેબ તરીકે ગામડે-ગામડે અને શાળાએ-શાળાએ પહોંચી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ રોબોટિક્સ, સેન્સર આધારિત પ્રયોગો, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ્સ, થ્રીડી પેન, એ.આઈ આધારિત પ્રવૃત્તિઓ, વર્ચ્યુઅલ રિયાલિટી , ઇનોવેશન એક્ટિવિટીઝ અને સ્ટેમ આધારિત હેન્ડ્સ-ઓન પ્રયોગો દ્વારા હજારો વિદ્યાર્થીઓને જાતે કરીને શીખવાનો અનોખો અનુભવ કરાવ્યો હતો.
આ સમગ્ર અભિયાનને સફળ બનાવનાર વિદ્યાર્થી ટ્રેનરોમાં જશ સાવલિયા, પ્રજ દેસાઈ, જીલ રાખોલિયા, રુદ્ર પરવડિયા, કેયુર શકોરિયા, સત્યમ સુરાણી, વેદ હિરાણી, પ્રિન્સ ગોંડલિયા અને જીલ ગુમાસાણાનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થી ટ્રેનરોએ માત્ર ટેક્નોલોજીનું જ્ઞાન જ નહીં, પરંતુ નેતૃત્વ, સંવાદ કૌશલ્ય અને સમાજ પ્રત્યેની જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના ડિરેક્ટર જય કાથરોટીયાએ જણાવ્યું હતું કે, ”‘ટેકનોરથ – ટેક્નોલોજી ઓન વ્હીલ્સ’નો હેતુ શહેર અને ગામ વચ્ચેની ટેક્નોલોજીની ખાઈ દૂર કરીને દરેક બાળક સુધી આધુનિક શિક્ષણ પહોંચાડવાનો છે. જ્યારે વિદ્યાર્થી જ શિક્ષક બને છે, ત્યારે સાચા અર્થમાં શિક્ષણનું પરિવર્તન શક્ય બને છે.”
આ સમગ્ર અભિયાન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર, અનઘ ટેક્નોલોજી અને વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
માત્ર ૯ વિદ્યાર્થી ટ્રેનરો દ્વારા બે મહિનાથી પણ ઓછા સમયમાં ૧૦૨ સરકારી શાળાના ૨૧,૨૧૫ વિદ્યાર્થીઓ સુધી ટેક્નોલોજી શિક્ષણ પહોંચાડવાની આ સિદ્ધિ શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા દર્શાવે છે.
‘ટેકનોરથ – ટેક્નોલોજી ઓન વ્હીલ્સ’ આજે માત્ર એક અભિયાન નથી, પરંતુ ગ્રામ્ય ભારતના વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી સાથે જોડતું એક પ્રેરણાદાયી શિક્ષણ આંદોલન બની રહ્યું છે.
Inbox
















Recent Comments