અમરેલી

માનવતા અને ખુમારીનું સાવરકુંડલા: કપરા સમયમાં સહયોગ અને રોજગારીની નવી આશ

સાવરકુંડલા શહેરની ઓળખ માત્ર તેના રસ્તા કે ભૂગોળ પૂરતી મર્યાદિત નથી, પણ અહીં વસતા લોકોની ખુમારી અને પરસ્પર સહયોગની ભાવનામાં છુપાયેલી છે. ઊબડ-ખાબડ અને ઊંચા-નીચા રસ્તાઓ પર જ્યારે વાહનો ચડાણ ચડી નથી શકતા, ત્યારે સ્થાનિક લોકોનો નાનકડો સહયોગ પણ મોટો આશરો બની જાય છે.

​હાલમાં જ આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો જોવા મળ્યો હતો, જ્યાં એક કપરા ઢાળ પર બંધ બોડીની રિક્ષા અટકી પડી હતી. આ મુશ્કેલ ક્ષણે તાલીમ ઈલ્મીના એક વિદ્યાર્થીએ આગળ આવીને રિક્ષાને ધક્કો મારી મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દ્રશ્ય જોઈને ત્યાંથી પસાર થતા એક લારીવાળા સદગૃહસ્થ પણ તાત્કાલિક સહયોગે આવ્યા. માનવશક્તિ અને વાહનની તાકાત ભેગી થતાં જ રિક્ષાએ સફળતાપૂર્વક ઢાળ પાર કરી લીધો. મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવાની આ ભાવના સાવરકુંડલાની ખરી તાકાત દર્શાવે છે.

​બીજી તરફ, શહેરમાં હાલ નાવલી નદી પર રિવર ફ્રન્ટ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વિકાસકાર્ય દરમિયાન નદી બજારના દબાણો હટાવવાથી કેટલાક પરિવારોએ પોતાની રોજીરોટી ગુમાવવી પડી છે. પરંતુ, સાવરકુંડલાના લોકો હિંમત હાર્યા વગર ખુમારીથી જીવન જીવવામાં માને છે. આવા જ એક પરિવારે આ બંધ બોડીની રિક્ષાને જ ‘હરતી-ફરતી દુકાન’ બનાવીને પ્રામાણિકતાથી સ્વમાનભેર નવેસરથી રોજગારી ઊભી કરવાનો પ્રયાસ. 

​આ ઘટના સાબિત કરે છે કે ગમે તેટલા કપરા ચડાણ કે મુશ્કેલીઓ આવે, પણ જો પરસ્પર સહયોગ અને જીવવાની ખુમારી હોય તો જીવન પોતાની રફતાર ફરી પકડી જ લે છે.

Related Posts