ગુજરાત

ગુજરાત પોલીસના એવોર્ડ ફ્રેમવર્કનો ઐતિહાસિક વિસ્તાર કરાયો, રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા વધારીને ૧૪૮ કરાઈ

ગુજરાત પોલીસ દળની સતત વિસ્તરતી ભૂમિકા અને કર્મચારીઓના અથાક સમર્પણને યોગ્ય બિરદાંજલિ આપવાના એક મોટા પગલા રૂપે, રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં વ્યાપક સુધારા અને વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને વાર્ષિક ‘DGP કમેન્ડેશન ડિસ્ક’ની સંખ્યા વર્તમાન ૧૧૦ થી વધારીને ૧૪૮ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

ઉત્કૃષ્ટ અને અસાધારણ સેવાઓને સન્માનિત કરવા માટે સૌપ્રથમ વર્ષ ૨૦૨૦ માં DGP કમેન્ડેશન ડિસ્કની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૬ના સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસમાં ૩૦,૦૦૦ થી વધુ નવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની ભરતી કરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં નવી રેન્જ અને નવા જિલ્લાઓની રચના સાથે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ જેવા વિશિષ્ટ તથા હાઇ-ટેક યુનિટ્સ પણ અસ્તિત્વમાં આવ્યા છે, તેમજ પોલીસ કમિશનરેટોના અધિકારક્ષેત્રમાં વધારો થયો છે.

ગુજરાત પોલીસ આ તમામ ઉભરતા પડકારોને અત્યંત સક્ષમતા અને સાતત્યપૂર્ણ રીતે સંભાળી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મહેનતુ પોલીસ કર્મચારીઓનું મનોબળ વધે અને તેમની સેવાઓની યોગ્ય કદર થાય તે હેતુથી રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ રિવોર્ડ સિસ્ટમનો વ્યાપ વધારવાની જરૂરિયાત મુકવામાં આવી હતી.

સુધારેલી રિવોર્ડ સિસ્ટમના મુખ્ય આકર્ષણો:

એવોર્ડની સંખ્યામાં વધારો અને સર્વસમાવેશક માપદંડ: એવોર્ડ પ્રણાલીને વધુ વ્યાપક બનાવવા માટે પાત્રતાના માપદંડો હળવા અને વિસ્તૃત કરાયા છે. હવેથી માત્ર ગુના નિવારણ જ નહીં, પરંતુ વહીવટી ફરજો, ટ્રાફિક વ્યવસ્થાપન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતમાં ઉત્કૃષ્ટતા તેમજ ચૂંટણી દરમિયાન દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પણ સક્રિયપણે ધ્યાનમાં લેવાશે. ઉપરાંત, એવોર્ડ માટેની ન્યૂનતમ સેવાનો માપદંડ ૭ વર્ષથી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવ્યો છે.

પોલીસ દળના તમામ યુનિટ્સનું પ્રતિનિધિત્વ: કમેન્ડેશન ડિસ્કના વ્યાપમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), માઉન્ટેડ અને ડોગ યુનિટ્સ, આર્મરર તેમજ બેન્ડ સ્ટાફના જવાનોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી દરેક શાખાના યોગદાનને ન્યાય મળે.

સિવિલિયન સ્ટાફ માટે ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી શરૂઆત: પોલીસ વિભાગના રોજિંદા વહીવટને સુચારૂ રૂપે ચલાવવામાં સિવિલિયન સ્ટાફના અદ્રશ્ય પરંતુ મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકારીને રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ‘DGP કમેન્ડેશન રોલ’ની નવી પ્રણાલી શરૂ કરાઈ છે. આ વર્ષથી જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ, એકાઉન્ટન્ટ્સ અને સ્ટેનોગ્રાફર્સ સહિતના ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને વાર્ષિક ૧૦ કમેન્ડેશન રોલ એનાયત કરવામાં આવશે.

સન્માન માટેનો ઐતિહાસિક દિવસ
DGP કમેન્ડેશન ડિસ્ક અને નવી શરૂ કરાયેલ DGP કમેન્ડેશન રોલનું વિતરણ દર વર્ષે ૧૫ ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ તારીખ ગુજરાત પોલીસ માટે અત્યંત ગોરવાન્વિત અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે આ એ જ શુભ દિવસ છે જ્યારે ગુજરાત પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ કલર્સ’ (President’s Colours) થી સન્માનિત કરવામાં આવી હતી.
આ યુગલક્ષી અને સકારાત્મક ફેરફારો સાથે, રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે એ વાતની દૃઢ અને સ્પષ્ટ પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી છે કે ગુજરાત પોલીસના કોઈપણ કર્મચારી, અધિકારી કે સિવિલિયન સ્ટાફના સભ્યના અસાધારણ યોગદાનને ક્યારેય અણદેખ્યું કરવામાં નહીં આવે અને દરેક ઉત્કૃષ્ટ કામગીરીને યોગ્ય મંચ પર બિરદાવીને સન્માનિત કરવામાં આવશે.

Related Posts