ગુજરાત

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે વડોદરા વર્તુળ અને વડોદરા વન્યજીવ વર્તુળ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) નિમિત્તે વડોદરા વર્તુળ અને વડોદરા વન્યજીવ વર્તુળના સંયુક્ત ઉપક્રમે મધ્ય ગુજરાતના વાઘની અવરજવર ધરાવતા વિસ્તારોમાં કાર્યરત ફ્રન્ટલાઈન વન કર્મચારીઓ માટે એક વિશેષ સંવેદનીકરણ અને ક્ષમતા વર્ધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બીટ ગાર્ડ, ફોરેસ્ટર અને આર.એફ.ઓ. (RFO) સહિતના ફ્રન્ટલાઈન સ્ટાફને વાઘનું વર્તન, નિવાસસ્થાનનું સંરક્ષણ, તૃણાહારી પ્રાણીઓની સંખ્યા (Prey-base) અને માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવાના ઉપાયો અંગે માહિતગાર કરવાનો હતો. સ્થાનિક સ્ટાફને દીપડા સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે, પરંતુ વાઘ જેવી મુખ્ય પ્રજાતિ (Umbrella Species) ના વર્તન વિશે તેઓને પૂરતી સમજ ન હોય વાઘ ના વર્તન અને તેની નિવસનતંત્રમાં ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના મુખ્ય અંશ અને માર્ગદર્શન
વન્યજીવ કોરિડોર અંગે તજજ્ઞનું વક્તવ્ય: એમ. એસ. યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર અને જાણીતા પ્રાણીશાસ્ત્રી ડૉ. ગીતા એસ. પડતે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યમાં પોતાના સંશોધન અનુભવના આધારે તેમણે વન્યજીવોની અવરજવર અને જંબુઘોડા-રતનમહાલ વચ્ચેના પ્રસ્તાવિત કોરિડોરના પર્યાવરણીય મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
નેતૃત્વ અને અનુભવનું આદાન-પ્રદાન: વડોદરા વન્યજીવ વર્તુળના વન સંરક્ષક અને વડોદરા વર્તુળના નાયબ વન સંરક્ષક શ્રી નિશા રાજ, IFS ના અધ્યક્ષસ્થાને તથા નાયબ વન સંરક્ષક શ્રી મહેન્દ્રસિંહ રાઠવા, IFS ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાતમાં વાઘની હાજરી અને તેના નિરીક્ષણ અંગેના પોતાના અનુભવો સ્ટાફ સાથે શેર કર્યા હતા.
ઉપસ્થિત અધિકારીશ્રીઓ: કાર્યક્રમમાં નીચે મુજબના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા:
શ્રી મિતેશ પટેલ, IFS — નાયબ વન સંરક્ષક, બારીયા
શ્રી રૂપક સોલંકી, IFS — નાયબ વન સંરક્ષક, છોટાઉદેપુર
શ્રી મીણા, IFS – મદદનીશ વન સંરક્ષક, છોટાઉદેપુર
શ્રી નિધિ ચિરાગ દવે – મદદનીશ વન સંરક્ષક, વડોદરા વન્ય જીવ વિભાગ
ફ્રન્ટલાઈન સ્ટાફની સજ્જતા અને સ્થાનિક જાગૃતિ
વન્યજીવ સંરક્ષણમાં ફ્રન્ટલાઈન સ્ટાફની મહત્વની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને નીચે મુજબના મુદ્દાઓ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા :
૧. વર્તણૂકનો તફાવત: દીપડા અને વાઘના રહેઠાણ તથા વર્તણૂકની શૈલી વચ્ચેનો મુખ્ય તફાવત સમજવો.
૨. પ્રાકૃતિક આહાર અને રહેઠાણ:વાઘની નિવસન જરૂરિયાતો પૂરી કરવા માટે ચિત્તળ, સાબર જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા જાળવી રાખવાનું મહત્વ.
૩. સમુદાય સહભાગિતા: જંગલ વિસ્તારની આસપાસ રહેતા સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ લાવી માનવ-પ્રાણી સંઘર્ષ અટકાવવો અને વન્યજીવોના કોરિડોરનું રક્ષણ કરવું.
સંરક્ષણ માટેના સંકલ્પ
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત સાથે થઈ હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વન અધિકારીઓ અને કર્મચારીઓએ વાઘના કુદરતી નિવાસસ્થાન, તૃણાહારી પ્રાણીઓ અને અંતતઃ માનવજાતના સંરક્ષણ માટે ના તેઓના અનુભવો ની આપ લે કરી હતી.

Related Posts