અમરેલી

નવા નીરથી લહેરાશે મોલાત: કુંકાવાવ તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીરના વધામણા કરતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

 આજરોજ કુંકાવાવ તાલુકાના વિવિધ ગામડાઓમાં કાયદો, અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ તળાવોમાં નવા નીરના ઉત્સાહભેર વધામણા કર્યા હતા. રાજ્યમંત્રીશ્રીએ મોટા ઉજળા, તરઘરી, મેઘા પીપળીયા, ખજૂરી પીપળીયા, અનીડા, સૂર્ય પ્રતાપગઢ, ખાખરીયા અને ખડખડ સ્થિત તળાવોની રૂબરૂ મુલાકાત લઈને પવિત્ર જળરાશિનું વિધિવત જળ પૂજન કર્યું હતું અને કુમકુમ, અક્ષત અને શ્રીફળ વડે નવા નીરના વધામણા કરી પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

જિલ્લામાં સારા વરસાદના પગલે ગામના સ્થાનિક જળાશયો અને ચેકડેમોમાં પાણીની ભરપૂર આવક થતાં ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

નવા નીરના વધામણાની વેળાએ રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, નવા નીરની આવક ગ્રામીણ કૃષિ અને અર્થતંત્રને નવી ગતિ આપશે. તળાવો ઊંડા ઉતારવાની કામગીરી રંગ લાવી છે, જળક્રાંતિથી કૃષિ સમૃદ્ધિના સપનાઓ સાકાર થશે. ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમિયાન રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના ભગીરથ પ્રયત્નો થકી અમરેલી-કુંકાવાવ-વડીયા તાલુકાના કુલ ૧૧૫ ગામોમાં હીટાચી મશીનની મદદથી તળાવો ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સમૃદ્ધ કૃષિનો સાચો આધાર યોગ્ય જળ સિંચન પર જ ટકેલો છે. જ્યારે ગામના ચેકડેમો, તળાવો અને જળાશયો નવા નીરથી છલકાય છે, ત્યારે ધરતીપુત્રોના ચહેરા પર સાચી ખુશી લહેરાય છે. પર્યાપ્ત જળ સિંચનની સુવિધા મળવાથી ખેડૂતો માત્ર ચોમાસુ જ નહીં, પરંતુ શિયાળુ અને ઉનાળુ પાક પણ ખૂબ જ સહેલાઈથી લઈ શકે છે. ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવવાના કારણે કૂવા અને બોરવેલમાં પાણી ટકી રહે છે, જે કૃષિ ઉત્પાદકતામાં સીધો વધારો કરે છે. આમ, યોગ્ય જળ સંચય અને સિંચન પદ્ધતિઓ અપનાવવાથી ખેતી ખર્ચ ઘટે છે, પાકનો બગાડ અટકે છે અને આખરે ગ્રામીણ સ્તરે આર્થિક સધ્ધરતા આવતા ‘જળ સિંચનથી કૃષિ સમૃદ્ધિ’નો સંકલ્પ સાકાર થાય છે.

કુંકાવાવના વિવિધ ગામડાઓના તળાવોમાં નવા નીરના વધામણા પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારો, સરપંચશ્રીઓ, પંચાયત સભ્યશ્રીઓ, બહોળી સંખ્યામાં મહિલાઓ સહિતના સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts