ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વહીવટી સુધારણા ક્ષેત્રે વધુ એક દૂરગામી નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (Unified Taluka Planning Committee-UTPC)ની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

GARCએ કેમ કરી હતી એકીકૃત સંસ્થાની ભલામણ ?

ઓગસ્ટ-2025માં ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ રજૂ કરેલા ચોથા અહેવાલમાં નોંધ્યુ હતું કે વિકેન્દ્રિત આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ ઘણી વાર તાલુકા કક્ષાએ અલગ-અલગ સમિતિઓ દ્વારા અલગ-અલગ સમયે કામગીરી માટે સમિતિની બેઠકો બોલાવવામાં આવે છે. જેમ કે તાલુકા આયોજન સમિતિ (તાલુકા સ્તરના વિવેકાધીન ગ્રાન્ટ માટે), ATVT કારોબારી આયોજન સમિતિ (ATVT યોજનાઓ માટે), અને તાલુકા પંચાયત આયોજન સમિતિ (નાણાં પંચ માટે). આ પ્રણાલીના લીધે કામોમાં પુનરાવર્તન થવાની શક્યતા વધી જાય છે, વહીવટી પ્રક્રિયામાં વધારો થાય છે અને સમય અને શક્તિનો બગાડ થાય છે. ઘણાં સભ્યો એક કરતાં વધુ સમિતિઓમાં બેસે છે, તેમજ નિર્ણય માટે સર્વસંમતિ અને પરામર્શની જરૂર હોવાથી કામગીરીમાં બિનજરૂરી રીતે વિલંબ થાય છે. આ પરિસ્થિતિમાં તાલુકા કક્ષાએ એક એકીકૃત સંસ્થા હોવી જરૂરી છે કે જે તમામ વિકેન્દ્રિત આયોજન યોજનાઓ હેઠળના કાર્યો પરસ્પર કરવા માટે નિર્ણય લઈ શકે.

UTPCની રચનાથી સામાન્ય ગ્રામજનોને શું થશે ફાયદા ?

આ ભલામણના આધારે હવે દરેક તાલુકામાં જુદી-જુદી સમિતિઓ ન રહેતા એક જ UTPC કાર્યરત રહેવાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે તથા તેમાં ઝડપ આવશે. આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોની પ્રાથમિકતાઓ નક્કી કરશે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓનું સંકલિત આયોજન કરશે અને વિકાસ કાર્યોના અમલીકરણની નિયમિત સમીક્ષા પણ કરશે. નવી વ્યવસ્થાના અમલથી તાલુકા કક્ષાએ વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. UTPC શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ, કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસ સહિતની જનકલ્યાણકારી યોજનાઓનું સંકલિત આયોજન તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્થાનિક જરૂરિયાતોને આધારે આયોજન થવાથી વિકાસ કાર્યોનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચશે.

કોણ-કોણ હશે UTPCમાં ?

હવે દરેક તાલુકામાં જે-તે તાલુકાની UTPC દ્વારા વિકાસ આયોજન કરવામાં આવશે. UTPCનું માળખું લોકશાહી અને સંતુલિત અભિગમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કમિટીના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારી (SDM)ને સહ-અધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ કમિટીમાં વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ અને મકાન તેમજ કૃષિ વિભાગના અધિકારીઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. જનપ્રતિનિધિઓના સ્થાનિક અનુભવ અને અધિકારીઓની વહીવટી તથા તકનીકી નિપુણતાનો આ અનોખો સમન્વય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ અસરકારક બનાવશે. તેના પરિણામે ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ આયોજન થશે અને વિકાસ કાર્યોને વધુ યોગ્ય દિશા તથા નવી ગતિ મળશે.

ગુડ ગવર્નન્સ સાથે ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને મળશે વેગ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સતત એવી વહીવટી વ્યવસ્થાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેનાથી શાસન વધુ સરળ, પારદર્શક અને જવાબદાર બને. યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી નિર્ણય પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાની સાથે યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા, દેખરેખ અને જવાબદારીને પણ વધુ મજબૂત બનાવશે. ગુજરાત સુશાસન અને વહીવટી નવીનતાના ક્ષેત્રમાં દેશ માટે એક આગવું મોડેલ બની રહ્યું છે. GARCની ભલામણોના આધારે રચાયેલી યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી વિકાસ આયોજનમાં એકીકૃત અભિગમને પ્રોત્સાહન આપશે અને તાલુકા કક્ષાએ વિકાસ કાર્યોને નવી ગતિ આપતાં ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂતી આપશે.

Related Posts