અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

અમરેલી કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા સાથે રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અમરેલીની વિવિધ શાળાઓમાં માર્ગ સલામતીને લઈને જનજાગૃતિ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. સાથે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૦૭ જુલાઈએ રોડ સેફ્ટી અવેરનેસ અને યુવા આપદા મિત્ર યોજના હેઠળ જનજાગૃત્તિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ. બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનોને રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી હેઠળ જુલાઈ-૨૦૨૬ માસ દરમિયાન ઓવરલોડ વાહનો, સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ, હેલ્મેટ, રેડિયમ રિફ્લેક્ટર, પી.યુ.સી, વાહનની વધુ ગતિ, હેડ લાઈટ, ટેઈલ લાઈટ સહિતની બાબતોને ધ્યાને લઈને કુલ ૧૪૧૮ જેટલા કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બેઠકમાં માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ રોડ રસ્તા ઉપર વૃક્ષોનું ટ્રીમીંગ, રમ્બલ સ્પીડ બ્રેકર સહિતની બાબતોને લઈને સંબંધિત અધિકારીશ્રીઓને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી સંજય ખરાત, પ્રાંત અધિકારીશ્રી નાકીયા, સહિત સંબંધિત વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts