ભાવનગર

વાહન સ્ક્રેપિંગ અને માલિકી હસ્તાંતરણમાં નિયમોનું પાલન કરવા ભાવનગર આરટીઓની અપીલ

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકોને વાહન સ્ક્રેપિંગ તેમજ વાહનના વેચાણ અને
માલિકી હસ્તાંતરણની પ્રક્રિયા દરમિયાન સરકાર દ્વારા નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં
આવી છે.
જે વાહન સ્ક્રેપ કરાવવાનું હોય તે માટે આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવવાનું પ્રમાણપત્ર
મેળવી શકાય છે અથવા સરકાર માન્ય Registered Vehicle Scrapping Facility (RVSF) ખાતે વાહન સ્ક્રેપ કરાવી
શકાય છે. સ્ક્રેપિંગ પહેલાં વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવવું આવશ્યક છે, જેથી સ્ક્રેપ થયેલા વાહનનો ગેરકાયદેસર
ઉપયોગ ન થઈ શકે.
વાહન પર કોઈ લોન બાકી હોય તો તે ફરજિયાતપણે ક્લિયર કરાવવી તેમજ કોઈ ચલણ પેન્ડિંગ હોય તો તેની
ભરપાઈ કરાવ્યા બાદ જ વાહનનું રજિસ્ટ્રેશન રદ કરાવી શકાય છે.
વાહનનું વેચાણ કર્યા વગર અથવા માલિકી હસ્તાંતરણની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર અન્ય વ્યક્તિને વાહન
સોંપવું ટાળવા પણ વાહન માલિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આવા વાહનોનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ
થવાની શક્યતા રહેતી હોવાથી વાહન કોઈપણ અનધિકૃત વ્યક્તિ, ફાઇનાન્સર અથવા સ્થાનિક અનધિકૃત સેન્ટર ખાતે
વેચાણ ન કરવું અને વાહનના વેચાણ તથા માલિકી હસ્તાંતરણ માટે આર.ટી.ઓ. દ્વારા નિર્ધારિત નિયમો મુજબની
કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
વાહન માલિકો દ્વારા નિયમોનું પાલન કરવાથી વાહનના અનધિકૃત વેચાણ, ગેરકાયદેસર ઉપયોગ તથા અન્ય
ગેરરીતિઓને અટકાવવામાં મદદ મળશે. વાહન સ્ક્રેપિંગ, રજિસ્ટ્રેશન રદ કરાવવા તેમજ વાહનના વેચાણ અને
માલિકી હસ્તાંતરણ અંગેની વધુ માહિતી માટે VAHAN Portal/Software તથા પરિવહન વિભાગની વેબસાઇટ પરથી
માહિતી મેળવી શકાય છે.
આ ઉપરાંત, આર.ટી.ઓ. સંબંધિત તમામ ફેસલેસ સેવાઓનો લાભ લેવા માટે પણ પરિવહન વિભાગની વેબસાઇટનો
ઉપયોગ કરવા ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ વાહન માલિકોને અનુરોધ કર્યો છે.૦૦

Related Posts