ભાવનગર મહાનગરપાલિકા અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સહજાનંદ ગુરુકુળ, અકવાડા
ખાતે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને ૭૭મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ઉજવણીનો
કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીનું
સ્મરણ કરાવવાની સાથે આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. વૃક્ષો પર્યાવરણનું
સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભાવનગર શહેરમાં હરિયાળી વધારવા મહાનગરપાલિકા દ્વારા
વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અર્બન ફોરેસ્ટમાં ૨૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
તેમણે નાગરિકોને જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગે વૃક્ષારોપણ કરી તેની નિયમિત માવજત કરવાનો અનુરોધ કરતાં
વૃક્ષારોપણને માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ જીવનભરની જવાબદારી બનાવવાનો સંદેશ આપ્યો હતો.
કમિશનરશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસમાં માળખાગત સુવિધાઓની સાથે
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીના વિકાસનું પણ વિશેષ મહત્વ છે. મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત
પ્રયાસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં હરિયાળી વધારવા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે નાગરિકોને
વૃક્ષારોપણની સાથે રોપાઓની માવજત અને જતનની જવાબદારી સ્વીકારી જનભાગીદારીથી ભાવનગરને વધુ
હરિયાળું, સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ૧૧ જેટલા પર્યાવરણપ્રેમીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં
હતાં. ઉપરાંત, સહજાનંદ ગુરુકુળની વિવિધ સંસ્થાઓ અને મોજીલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક
કાર્યક્રમોની રજૂઆત બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમ બાદ મહાનુભાવોએ પર્યાવરણ જાગૃતિ અર્થે ‘વૃક્ષરથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ ‘એક પેડ
મા કે નામ’ અભિયાન અંતર્ગત ૫ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.
મદદનીશ વન સંરક્ષક શ્રી બીમલ ભટ્ટે સ્વાગત પ્રવચન કરી વન મહોત્સવની પ્રસ્તાવના રજૂ કરી હતી.
આ ઉજવણીમાં ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા, શાસકપક્ષના
નેતા શ્રી લાલભા વાળા, નાયબ કમિશનર શ્રી જે. એન. મહેતા, ગીર (પૂર્વ)ના મદદનીશ વન સંરક્ષક શ્રી મયુર
બારોટ, પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ડી. વી. વઘાસીયા, અકવાડા સહજાનંદ ગુરુકુળના ટ્રસ્ટી શ્રી વિષ્ણુસ્વરૂપદાસ
સ્વામી સહિત વન વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.















Recent Comments