ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અન્વયે અમરેલી જિલ્લામાં દર માસના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ અભિયાન’, ‘કેચ ધ રેઈન’ અંતર્ગત જળસંચય કામગીરી તથા વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓની ફેરબદલી સહિતના ત્રિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
આ અભિયાનની શરૂઆતના ભાગરૂપે ૦૬ સપ્ટેમ્બર રવિવારે અમરેલી મુકામે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,ધારી ખાતે ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, સાવરકુંડલા ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. જ્યારે લાઠી, બાબરા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, લીલીયા, બગસરા અને કુંકાવાવ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું તા. ૦૬ સપ્ટેમ્બરના રોજ શહેરમાં ઠેબી ડેમ ખાતે વહેલી સવારે ૭.૩૦ કલાકથી આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય સ્થળોએ તાલુકા પંચાયતના પરિસરમાં સ્થાનિક અગ્રણીઓ અને જનભાગીદારીથી આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયાના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામા તમામ તાલુકા મથક, નગરપાલિકાઓ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ અભિયાન તરીકે આગળ ધપાવે તે માટે જરૂરી વિમર્શ કરવામાં આવ્યો હતો.
“સઘન સફાઈ અભિયાન” અંતર્ગત મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તારો, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ, વરસાદી નાળા-ગટર તથા કચરાના ઢગલાવાળા સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરાશે. નાગરિકો, વેપારી મંડળો, સ્વયંસેવકો, NSS/NCC તથા સામાજિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે.
‘કેચ ધ રેઈન’ અંતર્ગત ચેકડેમ-તળાવમાંથી કાંપ કાઢવા, રિચાર્જ પિટ બનાવવા, બંધ પડેલા બોરવેલને વરસાદી પાણીના પુનઃભરણ માટે સક્રિય કરવા તથા જળસ્ત્રોતોના કેચમેન્ટ વિસ્તારની સફાઈ કરવામાં આવશે.
વૃક્ષારોપણ અંતર્ગત સુકાઈ ગયેલા રોપાઓની જગ્યાએ મોટા રોપાઓનું વાવેતર, દેશી પ્રજાતિના વૃક્ષોનું વાવેતર તથા વૃક્ષોના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ અને ‘વૃક્ષ મિત્ર’ જેવી કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવશે.















Recent Comments