ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ- ૨૦૨૬ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાની
સ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનો
મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ભાવનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાક
આયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાલમાં જિલ્લામાં ખરીફ ઋતુ-૨૦૨૬ માં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ૪,૩૬,૯૦૬ હેક્ટર સામે ૪,૧૭,૪૩૮
હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે કપાસ ૨.૧૮ લાખ હેક્ટર, મગફળી ૧.૧૪ લાખ હેક્ટર,
તુવેર ૧૪૮૬ હેક્ટર, સોયાબીન ૧૧૩૩ હેક્ટર તથા ઘાસચારો ૪૪,૭૦૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે.
જિલ્લામાં કુલ સરેરાશ ૬૪૮ મી.મી. વરસાદની સામે અત્યાર સુધીમાં ૪૭૦ મી.મી. એટલે કે ૭૨.૫૩ ટકા
વરસાદ નોંધાયો છે.
વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન પર માઠી અસર ન થાય તે માટે જે ખેડૂતો પાસે પિયતની
સુવિધા ઉપલબ્ધ હોય તેમણે પાકની કટોકટીની અવસ્થા જેવી કે વિકાસ અવસ્થા, વૃદ્ધિ અવસ્થા, ફૂલ
અવસ્થા, સુયા બેસવાની અવસ્થા, સિંગ બાંધવાની અવસ્થા તથા દાણા ભરાવાની અવસ્થાએ ક્યારામાં
પિયત આપવાને બદલે આંતરપટે એટલે કે એકાંતર ચાસે પિયત આપવું. આ પદ્ધતિથી અંદાજે ૩૫ ટકા
પિયત પાણીની બચત થઈ શકે છે. ડ્રીપ તથા ફુવારા પિયત પદ્ધતિ ઉપલબ્ધ હોય તો તેનો મહત્તમ
ઉપયોગ કરવો
કેશાકર્ષણથી જમીનમાં રહેલો ભેજ ઊડી ન જાય તે માટે લાંબા ગાળે વવાતા તથા હારબંધ વવાયેલા
પાકોમાં આંતરખેડ કરવા ભલામણ કરવામાં આવે છે. જે પાકોમાં નીંદામણનો પ્રશ્ન હોય તે તમામ પાકોમાં
સમયસર નીંદામણ કરી પાકને નીંદામણમુક્ત રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી નીંદામણ દ્વારા
જમીનનો ભેજ ઓછો ન થાય.જો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધુ હોય તો જરૂરી અંતરે નીંદામણના
અવશેષો, ખેતીનો કચરો તથા વિવિધ પાકોના બિનઉપયોગી ફોતરાને પાકની બે હાર વચ્ચે પાથરી મલ્ચિંગ
કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતર ન આપવા તથા શક્ય હોય અને જરૂરી હોય તો
નેનો યુરિયા જેવા પ્રવાહી ખાતરનો પંપ દ્વારા છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.
હાલમાં ખાસ કરીને કપાસના પાકમાં ચૂસીયા જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હોવાથી પાક ઉત્પાદન પર
અસર ન થાય તે માટે સાંજના સમયે ભલામણ મુજબની પ્રવાહી પ્રાકૃતિક જંતુનાશક દવાઓ અથવા
લીંબોળીના તેલનો છંટકાવ કરી જીવાતનું નિયંત્રણ કરવા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા નેનો યુરિયા, નેનો ડીએપી વગેરે ઇનપુટ પર કુલ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૭૫૦
પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ લેવા ખેડૂતોને પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરવા જણાવાયું
છે.
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, પાકને પાણીની નહીં પરંતુ ભેજની જરૂરિયાત
હોય છે. તેથી વધારે પાણી એટલે વધારે ઉત્પાદન એવી ગેરસમજ દૂર કરી ઉપલબ્ધ પાણીનો કાર્યક્ષમ
ઉપયોગ કરવો.
વરસાદ ખેંચાવાના કારણે ખેતી પાકોને બચાવી ઉત્પાદન પર કોઈ માઠી અસર ન થાય તે માટે ઉપરોક્ત
જરૂરી પગલાં લેવા તમામ ખેડૂતમિત્રોને ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાકમાં રોગ-જીવાત કે અન્ય કોઈ સમસ્યા જણાય તો વધુ માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના
ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), ખેતી અધિકારીશ્રી, તાલુકા
અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી
નિયામકશ્રી (વિસ્તરણ) તથા નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ)નો સંપર્ક કરી શકે છે.આ ઉપરાંત કિસાન
કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર પણ સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે તેમ
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, ભાવનગરની અખબાર યાદીમાં જણાવ્યું છે.















Recent Comments