શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઓળખી તેને વિકાસની તક આપવાનું મહત્વનું માધ્યમ છે. શિક્ષણમાં નવીનતા, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાને વ્યાપક ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે અમરેલીના શિક્ષક શ્રી કેવલ મહેતા છેલ્લા ૧૧ વર્ષથી વિવિધ શૈક્ષણિક પહેલો સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓના નવતર વિચારો અને પ્રેરણાદાયી શિક્ષણપ્રયોગોને સમાજ સુધી પહોંચાડવાનો તેમનો પ્રયાસ આજે દેશની સરહદો પાર કરીને આફ્રિકાની શાળાઓ સુધી વિસ્તર્યો છે. ૦૫ સપ્ટેમ્બરને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને ‘શિક્ષક દિન‘ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમરેલીના અનોખા ઇનોવેટર શિક્ષકની કહાની જાણવા જેવી છે.
ગામડાંની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મર્યાદિત સંસાધનો વચ્ચે પણ અનેક નવીન પ્રયોગો અને સર્જનાત્મક કાર્યો કરે છે.
આવા વિદ્યાર્થીઓની પ્રતિભાને વ્યાપક ઓળખ મળે અને તેમની સિદ્ધિઓ સમાજ સુધી પહોંચે તે માટે શ્રી કેવલ મહેતાએ ‘શિક્ષાસ્ટોરીઝ’ (sikshastories)નામનું ડિજિટલ માધ્યમ શરૂ કર્યું છે. હાલ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને રિલ્સના ફોર્મેટમાં ગ્રાસરૂટ લેવલ પર થઈ રહેલા શિક્ષણ ક્ષેત્રના કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે.
આ માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓના નવતર પ્રયોગો, જીવનસંઘર્ષ અને પ્રેરણાદાયી શિક્ષણયાત્રાઓને રજૂ કરવામાં આવે છે. દ્વિચક્રી વાહનચાલકોની સલામતી માટે વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયેલ નવતર હેલ્મેટના વિચારથી લઈને ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીના વિમાન ઉડાડવાના સ્વપ્ન સુધીની અનેક કહાનીઓ સમાજ સમક્ષ લાવવામાં આવી છે. આ પહેલથી ગ્રામ્ય વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતાને નવી ઓળખ મળી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મ પર આપવામાં આવતી આ ગામડાની અસાધારણ સિદ્ધિઓ લાખો લોકો સુધી પહોંચી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શ્રી કેવલ મહેતા સતત કાર્યરત છે. છેલ્લા ૧૨ વર્ષથી વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મક વિચારસરણી અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે શ્રી કેવલ મહેતા કહે છે, “શિક્ષકનું કાર્ય માત્ર ભણાવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિને ઓળખી તેને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને કંઈક નવું સર્જવાની તક આપવાનું છે. જ્યારે બાળક પોતાના વિચાર પર વિશ્વાસ કરવાનું શીખે છે, ત્યારે સાચા અર્થમાં શિક્ષણ સફળ બને છે.”
તાજેતરમાં શ્રી કેવલ મહેતાએ આફ્રિકાના યુગાન્ડાની શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈને ત્યાંની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક શૈક્ષણિક પરિસ્થિતિ, વિદ્યાર્થીઓના પડકારો અને શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી નવી પહેલોને નજીકથી સમજવાનો અવસર મળ્યો.
આફ્રિકામાં યોજાયેલા વિવિધ સંવાદ અને પરિસંવાદોમાં ભારતની શિક્ષણ પદ્ધતિ, શિક્ષકોના પ્રયોગો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ આફ્રિકાની શાળાઓમાં અપનાવવામાં આવતી અભ્યાસ પદ્ધતિઓ અને જીવનકૌશલ્ય આધારિત શિક્ષણ અંગે પણ અનુભવનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
શ્રી મહેતા જણાવે છે, “શિક્ષણની કોઈ સરહદ નથી. એક દેશની સારી શિક્ષણપદ્ધતિ બીજા દેશના બાળકો માટે પણ ઉપયોગી બની શકે છે. એકબીજાના અનુભવોમાંથી શીખવું એ જ શિક્ષણનો સાચો વિકાસ છે.”
આફ્રિકામાં મહેતા ગ્રુપની શતાબ્દી ઉજવણી નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સ્થાનિક શાળાઓના ૧૦૦ બાળકો સાથે ૧૦૦ સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને સામાજિક જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો.
આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા બાળકો માટે વિચારસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આસપાસની સમસ્યાઓના નવા ઉકેલો રજૂ કર્યા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સમસ્યાના ઉકેલ માટે સર્જનાત્મક રીતે વિચારવાની ભાવના વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
શ્રી કેવલ મહેતાની શિક્ષણયાત્રાનો મુખ્ય આધાર વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય મંચ પૂરું પાડવાનો રહ્યો છે. ‘















Recent Comments