ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા પવિત્ર નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે તા. ૧૦
અને તા. ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી અમાસનો મેળો યોજાશે. સમગ્ર રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ
મેળામાં ઉપસ્થિત થવાની સંભાવના વચ્ચે પવિત્ર તીર્થધામ કોળિયાક ખાતે ભક્તિમય માહોલ સર્જાશે.
મેળામાં આવતા ભાવિકોની સુવિધા અને સેવા માટે રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરશોત્તમભાઈ
સોલંકી તથા તેમના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકી દ્વારા વિવિધ સેવાકીય આયોજનો કરવામાં આવ્યા છે.
ભાવિકોને પ્રસાદીરૂપે લાડુનું વિતરણ કરવા માટે આશરે ૫ ટન જેટલી લાડુ પ્રસાદી તૈયાર કરવામાં આવશે.
ઉપરાંત, રાત્રિના સમયે દર્શનાર્થીઓ માટે એલ.ઈ.ડી. સ્ક્રીન પર ધાર્મિક ચલચિત્રોના પ્રદર્શનનું આયોજન
કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સેવા, સરભરા અને સુરક્ષાને પ્રાધાન્ય આપીને જિલ્લા વહીવટી તંત્રની ટીમ
સાથે કોળી સેનાના સ્વયંસેવક યુવાનો પણ ખડેપગે રહેશે. દરિયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે
માટે તરવૈયાઓની ટીમો તથા ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ ઉપરાંત, વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ચા-પાણી, નાસ્તો અને રહેવાની વ્યવસ્થા પણ
કરવામાં આવી છે.
આમ, નિષ્કલંક મહાદેવના પાવન સાનિધ્યમાં યોજાનારો ભાદરવી અમાસનો મેળો ધાર્મિક આસ્થા સાથે
સેવાભાવ અને માનવસેવાનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે
માટે મંત્રીશ્રી પરશોત્તમભાઈ સોલંકી તથા શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કોળી સેનાની ટીમોને જિલ્લા વહીવટી
તંત્ર સાથે સંકલનમાં રહી જરૂરી મદદ અને સહયોગ પૂરો પાડવા સૂચના આપી છે.












Recent Comments