સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાય તેમજ ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવના વિકસે તેવા શુભ આશયથી એક ભવ્ય ‘રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોમાંચક રમતોત્સવ દરમિયાન ક્રિકેટ, દોડ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પોતાની રમતગમતની સુષુપ્ત પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિવિધ ટીમો વચ્ચે ખેલાયેલી મેચોમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમત અને અદ્ભુત ટીમભાવના દર્શાવી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કાર્યક્રમમાં ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી અક્ષરમૂક્તદાસજી, નિયામક શ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ આમંત્રિત મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “જીવનમાં અભ્યાસની સાથે શારીરિક અને માનસિક વિકાસ માટે રમતગમતનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
સ્પર્ધાઓના અંતે વિજેતા બનેલા તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાયન્સ વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સુચારુ આયોજનથી સમગ્ર કાર્યક્રમ અત્યંત આનંદમય, ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ રમતોત્સવે તમામ વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને ખેલદિલીની ભાવનાનું સિંચન કર્યું હતું.

















Recent Comments