અમરેલી

તંત્રની આંધળી નીતિ: સાવરકુંડલામાં રસ્તાના કામમાં ઐતિહાસિક અને મજબૂત પથ્થરો ભૂમિગત કરી દેવાયા

જૂના ઘાટો, જૂના પથ્થર, 

દાટી દીધા એક પળમાં,

ક્યાં રહી સંવેદનાઓ 

આ વિકાસના વહેણમાં?

​જે પથ્થરોમાં કંડારાયો હતો                      ઈતિહાસ સાવ સાચો,

એ જ પથ્થર આજે મૂંગા થઈને                  થયાં ધૂળમાં દફન કુંડલાની ભૂમિમાં

–“પાંધી સર”

​સાવરકુંડલા શહેરમાં આવેલા પવિત્ર મહાપ્રભુજી બેઠકજી તરફ જતા માર્ગ પર દર વર્ષે વરસાદી પાણી અને ગટરના પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બુલડોઝર વડે મેટલ નાખીને રસ્તાને પહોળો અને સમથળ બનાવવાનું લેવલિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જે તંત્રનું પ્રશંસનીય પગલું છે. પરંતુ આ કામગીરી દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

​આ બુરાણ પ્રક્રિયા દરમિયાન અહીં વર્ષો જૂના સ્નાનઘાટના પચાસથી પણ વધુ પગથિયાં ધરાવતા અત્યંત મજબૂત અને કિંમતી પથ્થરોને ભૂમિગત કરી દેવામાં આવ્યા છે. જૂના જમાનાના આ પથ્થરો કલાકોની માનવ મહેનત અને ચોક્કસ ઘાટ આપીને બનાવવામાં આવ્યા હતા. આવા મજબૂત પથ્થરોને જમીનમાંથી બહાર કાઢીને અન્ય કોઈ સરકારી કે જાહેર હિતના કામમાં સદુપયોગમાં લઈ શકાયા હોત. પરંતુ તંત્રએ પોતાની સૂઝબૂઝ અને સંવેદના નેવે મૂકીને તેના પર જ મેટલનું પુરાણ કરીને તેને દાટી દીધા છે.

​બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નજીક આવી રહી છે ત્યારે મંચ પરથી *ગાંધીજીના આદર્શો અને શ્રેષ્ઠતમ ઉપયોગની વાતો કરવામાં આવશે. ગાંધી વિચારસરણી મુજબ કોઈ પણ ચીજનો નિરર્થક વ્યય કર્યા વગર તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ.બીજી તરફ રામરાજ્યની વાતો કરતા સત્તાધીશોના શાસનમાં પ્રજાના પરસેવાની કમાણી અને જાહેર મિલકતોનો આ રીતે અનાદર થઈ રહ્યો છે.* સ્થાનિક બુદ્ધિજીવીઓ અને નાગરિકોમાં ચર્ચા છે કે જો આવું બાંધકામ કોઈના પોતાના ફાર્મહાઉસ કે ફેક્ટરીમાં હોત, તો શું તેઓ આ રીતે કિંમતી પથ્થરોને દાટી દેત ખરા?

*​આ પથ્થરો સાથે અનેક પનિહારીઓ અને સ્થાનિકોની સંવેદનાઓ તથા ઈતિહાસ જોડાયેલો હશે. જેને આંખના પલકારામાં આ ઐતિહાસિક વારસાને નામશેષ કરી દેવો એ કઈ જાતનો વિકાસ છે?* સ્થાનિક પ્રજાની માંગ છે કે જો તંત્ર પોતે આ પથ્થરો બહાર ન કાઢી શકતું હોય, *તો કોઈ સામાજિક કે સેવાકીય સંસ્થાને સ્વખર્ચે આ પથ્થરો બહાર કાઢી તેનો યોગ્ય ઉપયોગ કરવાની પરવાનગી આપવી જોઈએ. વિકાસનો અર્થ માત્ર રોડ બનાવવો નહીં, પણ સંવેદના અને સમજદારીપૂર્વક જાહેર સંપત્તિની જાળવણી કરવો પણ થાય છે.*

Related Posts