ભાવનગર

ભાવનગરમાં મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાના અધ્યક્ષસ્થાને ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,
ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાના
અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે ‘સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ’ યોજાયો હતો. કાર્યક્રમમાં દેશની રક્ષા માટે
સમર્પિત સશસ્ત્ર દળના પૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સૈનિક લાન્સ નાયક શ્રી માલદેવસિંહ ગોહિલે ભાવનગરની શૂરવીર પરંપરાને યાદ કરતાં
જણાવ્યું હતું કે, દેશની રક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં ભાવનગરની ધરતીનું ગૌરવપૂર્ણ યોગદાન રહ્યું છે. પ્રથમ
વિશ્વયુદ્ધ દરમિયાન હાઈફાના યુદ્ધમાં ભાવનગરના સૈનિકોએ શૌર્યપૂર્વક ભાગ લીધો હતો. ભાવનગરની આ
શૂરવીર પરંપરા આજે પણ ભારતીય સશસ્ત્ર દળોમાં જીવંત છે, જે સૌ માટે ગૌરવની બાબત છે.
તેમણે યુવાનોને ‘રાષ્ટ્ર મારા માટે શું કરે છે?’ તેના બદલે ‘હું રાષ્ટ્ર માટે શું કરી શકું?’ એ ભાવના સાથે
આગળ વધવા અનુરોધ કર્યો હતો. શિસ્ત, ચારિત્ર્ય અને રાષ્ટ્રભાવનાને જીવનનો ભાગ બનાવવા તેમજ
કોઈપણ વિષય અંગે અભિપ્રાય આપતા પહેલાં તથ્યો અને વિશ્વસનીય માહિતી સમજવા તેમણે જણાવ્યું
હતું. જાહેર સંપત્તિનું જતન અને પોતાની ફરજ-જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી એ પણ રાષ્ટ્રસેવાનું જ
એક સ્વરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ અમર જવાન જ્યોતિના પ્રતિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંગીતની સુરાવલીએ
સમગ્ર વાતાવરણને દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી રંગી દીધું હતું.
યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી
ભાવેશભાઈ જાની,જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કેતનભાઈ ચાવડા, નગર સેવક શ્રી બલદેવસિંહ ચુડાસમા,
જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ,
આગેવાનો શ્રી કુમાર શાહ, શ્રી નિલેશ રાવલ, શ્રી મુકેશભાઈ ડાભી, શ્રી રાજદીપસિંહ જેઠવા, પૂર્વ સૈનિક સેવા
પરિષદના ઉપાધ્યક્ષ શ્રી કૃષ્ણ દેવસિંહ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનના પ્રમુખ શ્રી સુરૂભા સરવૈયા, પૂર્વ
સૈનિક સેવા પરિષદના જિલ્લા પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ રાણા, પૂર્વ સૈનિકો, શહીદ વીર જવાનોના પરિવારજનો
સહિત મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts