અમરેલી: કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, શૈક્ષણિક જિજ્ઞાસા, સ્પર્ધાત્મક ભાવના તથા માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ કેળવવાના હેતુથી ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું સામૂહિક નિદર્શન તથા ‘સેવા સંકલ્પ અભિયાન – સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘માર્ગ સુરક્ષા સંવાદ’ કાર્યક્રમનું સામૂહિક નિદર્શન યોજાયું હતું.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે વિવિધ પ્રશ્નોના જવાબ આપી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન પ્રત્યે રસ, ટીમ સ્પિરિટ, ઝડપી નિર્ણયક્ષમતા તથા સ્પર્ધાત્મક ભાવનાનો વિકાસ થયો હતો. જ્ઞાન સાથે મનોરંજનનો અનુભવ કરાવતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો હતો.
આ ઉપરાંત, તા. 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત ‘માર્ગ સુરક્ષા સંવાદ’ કાર્યક્રમનું કોલેજની કમ્પ્યુટર લેબમાં સામૂહિક નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો, નિયંત્રિત ઝડપે વાહન ચલાવવું તેમજ જવાબદાર નાગરિક તરીકે માર્ગ સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી.
બંને કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન સાથે જવાબદાર નાગરિક તરીકેની ફરજો પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ બંને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ જ્ઞાન, શિસ્ત, જવાબદારી અને સુરક્ષાના મહત્વને સમજ્યું હતું.
આ બંને કાર્યક્રમોનું આયોજન કે. કે. પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ઉત્સાહભર્યા સહયોગથી બંને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.
આ કાર્યક્રમોના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ તથા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.


















Recent Comments