ભાવનગરના સિહોર તાલુકાના અમરગઢ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત યોજાયેલા
કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્રકુમાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ
સ્વસહાય જૂથ સાથે જોડાયેલી લખપતિ દીદી બહેનો સાથે સંવાદ કરી તેમની આજીવિકા પ્રવૃત્તિઓ,
અનુભવો અને સફળતાની જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડૉ. વીરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ભાવનગરની
સ્વસહાય જૂથની બહેનો આત્મવિશ્વાસ અને સ્વાવલંબન સાથે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરી રહી છે. એક બહેનના
સશક્તિકરણ સાથે સમગ્ર સ્વસહાય જૂથ અને પરિવારનું આર્થિક સશક્તિકરણ થાય છે, જેનાથી ગ્રામ્ય
અર્થતંત્રને પણ મજબૂતી મળે છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વસહાય જૂથની બહેનો પરંપરાગત કળા અને હસ્તકલા સાથે નવીનતા
લાવી રહી છે. બેંકિંગ વ્યવસ્થા, માર્કેટિંગ, ઈ-કોમર્સ તથા સરસ મેળા અને અન્ય સરકારી મેળાઓ સાથે
જોડાઈને પોતાના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજિત મેળાઓ સાથે
સ્વસહાય જૂથની બહેનોને જોડવાથી તેમના ઉત્પાદનોને બજાર અને ઓળખ બંને મળી શકે છે. ઉત્પાદનોના
વેચાણ માટે વધુને વધુ પ્લેટફોર્મ ઉપલબ્ધ થાય અને બજારની માંગ અનુસાર ઉત્પાદન કરવામાં આવે તે
દિશામાં પ્રયત્નો જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે એક મહિલા આર્થિક રીતે સશક્ત બને છે ત્યારે તેનો લાભ સમગ્ર પરિવારને
મળે છે અને પરિવારના સશક્તિકરણ સાથે સમાજ તથા ગ્રામ્ય અર્થતંત્ર પણ સશક્ત બને છે. સ્વસહાય
જૂથોની બહેનોના સામૂહિક પ્રયાસો દેશના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્રકુમારે ભાવનગરની સ્વસહાય જૂથની બહેનોના આત્મવિશ્વાસ, મહેનત અને
ઉદ્યોગસાહસિકતાની પ્રશંસા કરી હતી. તેમણે સ્વસહાય જૂથ સાથે હજુ જોડાયેલી ન હોય તેવી બહેનોને
તેમની રુચિ અને ક્ષમતા અનુસાર યોગ્ય પ્રવૃત્તિ સાથે જોડીને સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
હતો.
આ પ્રસંગે શ્રીમતી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ
નારી સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. મહિલાઓ આગળ વધે અને આત્મનિર્ભર બને
તે માટે સરકાર દ્વારા વિવિધ પ્લેટફોર્મ અને તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, બહેનોને નાના-નાના વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી તાલીમ, કૌશલ્ય વિકાસ તેમજ
બેંક મારફતે ધિરાણની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોતાની
આવડત અને કૌશલ્ય અનુસાર તાલીમ મેળવીને આજે અનેક મહિલાઓ નાના-નાના ઉદ્યોગો સફળતાપૂર્વક
ચલાવી રહી છે.
તેમણે લખપતિ દીદી તરીકે આગળ વધી રહેલી બહેનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મહિલા સશક્તિકરણના ધ્યેયને યાદ કરતાં તેમણે ગુજરાતની
બહેનો માત્ર લખપતિ જ નહીં, પરંતુ કરોડપતિ દીદી બને તે માટે સૌ બહેનોને આગળ વધવા શુભેચ્છા
પાઠવી હતી.
સંવાદ દરમિયાન અમરગઢ ગામની ‘શિવાની સખી મંડળ’ની બહેને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૬થી તેઓ
સ્વસહાય જૂથ સાથે જોડાયેલી છે. સૌરાષ્ટ્રની પરંપરાગત મોતીકામની કળાને આધુનિક સ્વરૂપ આપી
બળદગાડી, કાન્હાનો ઝૂલો, કિચન સહિતની વિવિધ સુશોભન વસ્તુઓ બનાવવામાં આવે છે. મંડળની ૧૧
બહેનો વિવિધ જવાબદારીઓ સંભાળે છે અને એક બહેન આશરે રૂ. ૧૨ થી ૧૩ હજાર માસિક આવક મેળવી
રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
અન્ય એક બહેને જણાવ્યું હતું કે, તેમના ગામમાં સિલાઈના કાર્ય સાથે અનેક બહેનો જોડાયેલી છે.
કપડાંમાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવી બહેનો આવક મેળવી રહી છે. એક અન્ય સ્વસહાય જૂથની
બહેને ક્રાફ્ટ તથા ડ્રેસ મટિરિયલ બનાવવાના કાર્ય સાથે ૧૦ બહેનો જોડાયેલી હોવાનું અને જૂથ દ્વારા દૈનિક
રૂ. ૧૦થી ૧૨ હજાર સુધીનું વેચાણ થતું હોવાનું જણાવ્યું હતું.
સ્વસહાય જૂથ સાથે જોડાયેલી એક બહેને બ્યુટી પાર્લર ઉપરાંત સિલાઈ અને રેડીમેડ વસ્ત્રોના વ્યવસાય
અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જૂથની બહેનોને કામ શીખવવા ઉપરાંત જરૂરી સામગ્રી પણ
ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ રીતે બહેનોને રોજગારી સાથે આત્મનિર્ભર બનવાની તક મળી રહી છે.
કાર્યક્રમમાં અન્ય બહેનોએ મેળાઓમાં સ્ટોલ દ્વારા ઉત્પાદનોના વેચાણ, ડ્રેસ મટિરિયલ, રૂમાલ, હસ્તકલા
સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. કેટલાક જૂથો દ્વારા સરસ મેળાઓમાં ભાગ લઈ
ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે, જેના થકી બહેનોને સારો બજાર સંપર્ક અને આવક મળી રહી છે.
આ તકે કાર્યક્રમના અંતે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એક કરોડ અઠયાવીસ લાખ પચાસ હજાર અને વી.જી.
એફ ફંડ ચોવીસ લાખ અગિયાર હજાર સાતસો પંચાવન, તેમજ ચોપ્પન લાખ બાવીસ હજારની કેશ ક્રેડિટનું
ધિરાણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જયશ્રીબેન જરૂ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વિમળાબેન ચૌહાણ
સહિતના મહાનુભાવો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments