ભાવનગર

ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કળસારમાં એસ.વી.એસ. કક્ષાનું ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કળસાર ખાતે આજ રોજ તા. ૦૮/૧૦/૨૦૨૬ના રોજ SVS-૫ (મહુવા) અંતર્ગત એસ.વી.એસ. કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું હતું.

આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૧૭ જેટલી વિજ્ઞાન કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ૨૫૦થી વધુ બાળ વૈજ્ઞાનિકો, ૧૧૭ જેટલા માર્ગદર્શક શિક્ષકો તથા ૧૦ નિર્ણાયકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા માટે આસપાસના ગામોની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાંથી ૧૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ, નવીનતા અને રોજિંદા જીવન સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના પ્રતિનિધિ શ્રી ડી. એસ. સોલંકી (ઈ.આઈ.), કન્વીનર શ્રી સુખાભાઈ ડાભી, યજમાન આચાર્ય શ્રી સેફાભાઈ શિયાળ તથા નિયામક શ્રી પાંચુભાઈ કમળિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.

વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરી તેમની પ્રતિભા અને પ્રયત્નોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ યજમાન શાળા તથા આયોજન સાથે સંકળાયેલા તમામ શિક્ષકગણ અને કર્મચારીઓ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા અને નવીન વિચારધારા વિકસે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

Related Posts